જુનાગઢ: વર્ષ 2019થી જુનાગઢ શહેરમાં સિટી બસ સેવા બંધ છે, સિટી બસ સેવા બંધ હોવાના કારણે જુનાગઢના સ્થાનિકો, ખાસ કરીને મહિલા વયોવૃદ્ધ અને સિનિયર સિટીઝનોની સાથે શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જુનાગઢ મનપા તાકીદે ફરી એક વખત સિટી બસ સેવાનું સંચાલન કરે તેવી મહિલા પ્રવાસીઓમાં માંગ ઉઠી છે.
પાંચ વર્ષથી ઠપ્પ સિટી બસ સેવા: જુનાગઢ શહેરમાં સીટી બસ સેવા વર્ષ 2019 થી બંધ હાલતમાં છે. કોરોના સંક્રમણ કાળમાં સિટી બસ સેવાનું સંચાલન કરતી ખાનગી પેઢીએ સંચાલન બંધ કરી દેતા, છેલ્લાં પાંચ વર્ષથી જુનાગઢના શહેરીજનોને સિટી બસ સેવાની સુવિધા મળતી બંધ થઈ ગઈ છે. ત્યારે જુનાગઢ કોર્પોરેશનના તમામ વિસ્તારોમાં સિટી બસ સેવા ફરી શરૂ કરવા માટે જૂનાગઢની મહિલાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ માંગ કરી છે. પાંચ વર્ષ સુધી બંધ રહેલી સીટી બસ સેવાને કારણે પ્રવાસીઓને પણ અનેક અગવડતા માંથી પસાર થવું પડ્યું છે. જુનાગઢ શહેરમાં સિટી બસ સેવા થકી શહેરનું આંતરિક પ્રવાસન પણ સુદ્રઢ કરી શકાય તેમ છે.
સિટી બસ સુવિધા માટે ઉઠી લોક માંગ: જુનાગઢ શહેરના પ્રવાસીઓમાં મહિલા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન અને શાળા તેમજ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે સિટી બસ સેવા એકદમ આદર્શ અને અનુકૂળ હતી. વર્તમાન સમયમાં સિટી બસ બંધ હોવાના પગલે મોટા ભાગના પરિવહનના માધ્યમ તરીકે એકમાત્ર ઓટો રીક્ષા બચી છે. પરંતુ તે પણ મહિલા મુસાફરો માટે સુરક્ષિત અને સુઘડ માનવામાં આવતી નથી, ત્યારે ફરી મહિલાઓ, વૃદ્ધ પ્રવાસીઓ, સિનિયર સિટીઝન અને શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને સગવડતાને ધ્યાને રાખીને પણ સીટી બસ સેવા શરૂ કરવાની મહિલાઓની પ્રબળ બની રહી છે.
વહેલી તકે શરૂ થશે બસ સેવા: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ સિટી બસ સેવાને લઈને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ઈ બસ સેવા અંતર્ગત જુનાગઢ કોર્પોરેશનને 25 ઇલેક્ટ્રીક બસ મેળવવા માટે કેન્દ્ર સરકારમાં આવેદન આપી દીધું છે. આગામી દિવસોમાં સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જૂનાગઢ શહેરને 25 ઇલેક્ટ્રીક બસ મળવા જઈ રહી છે. ઈલેક્ટ્રીક બસના ચાર્જિંગને લઈને પણ અલગ સર્વિસ સ્ટેશન બનાવવાની દિશામાં પણ કોર્પોરેશને કામ શરૂ કરી દીધું છે, જેથી આવનારા દિવસોમાં ફરી એક વખત જુનાગઢ શહેરના પર્યાવરણને અનુરૂપ ઈલેક્ટ્રીક બસ સેવા શરૂ થવા જઈ રહી છે. વર્ષ 2019 બાદ સીટી બસ સેવા શરૂ કરવાનો પ્રયાસ પણ થયો હતો પરંતુ ખાનગી કંપની દ્વારા ખૂબ ઊંચું ટેન્ડર મૂકવામાં આવતા તેને રદ કરાયું હતું, જેને કારણે હજુ સુધી જુનાગઢ શહેરમાં સીટી બસ સેવા કાર્યરત જોવા મળતી નથી.