જૂનાગઢ : ભાદરવા સુદ પાંચમ એટલે કે આજે ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજના દિવસને સામા પાંચમ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે પવિત્ર નદી, તીર્થ ઘાટ કે સરોવરમાં વિશેષ સ્નાનવિધિ સાથે ઋષિ પંચમીના તહેવારની ઉજવણી થતી હોય છે. આજના દિવસે મહિલાઓ દ્વારા ભોજનમાં એકમાત્ર સામો આરોગીને ઋષિ પાંચમની ઉજવણી થતી હોય છે. ત્યારે ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં મહિલાઓએ ધાર્મિક વિધિ-વિધાન સાથે પૂજન કરીને ઋષિ પાંચમની ઉજવણી કરી હતી.
વિશેષ સ્નાનની પરંપરા : ઋષિ પાંચમના દિવસે મહિલાઓ દ્વારા વિશેષ પ્રકારે સ્નાન વિધિ સંપન્ન કરવામાં આવતી હોય છે. ઋષિ પંચમીના દિવસે મહિલાઓ દ્વારા માથા પર ચારણી રાખીને તેમાં દુર્વા રાખીને વિશેષ સ્નાન કરવાની પરંપરા પણ જોવા મળે છે. આજના દિવસે કરેલું સ્નાન પ્રત્યેક વ્યક્તિને પાપ અને દોષ કર્મમાંથી મુક્તિ અપાવતુ હોય છે. જેથી ઋષિ પાંચમના દિવસનું સ્નાન સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
સપ્તઋષિનું પૂજન : સનાતન ધર્મમાં ઋષિ પાંચમના દિવસે ઋષિ પૂજનને ખૂબ જ ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે. તે મુજબ આજના દિવસે વિશ્વામિત્ર ગૌતમ ભારદ્વાજ અતિ સહિત સાત ઋષિઓનું પૂજન કરવાનું પણ ધાર્મિક મહત્વ છે. આજના દિવસે સપ્ત ઋષિને યાદ કરીને તેનું પૂજન કરવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિના આત્માને સપ્ત ઋષિઓ શુદ્ધ કરતા હોય છે. જેથી આજના દિવસે સપ્ત ઋષિના પૂજનની સાથે તેમને યાદ કરીને પવિત્ર ઘાટોમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
ઋષિ પંચમીનું મહત્વ : દામોદર તીર્થક્ષેત્રના પુરોહિત યતીન વ્યાસે સામા પાંચમ કે ઋષિ પંચમીને લઈને તેનું ધાર્મિક મહત્વ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, આજના દિવસે સપ્તઋષિનું પૂજન કરવાથી પ્રત્યેક વ્યક્તિના પાપ દોષ કર્મનો નાશ થતો હોય છે. વધુમાં આજના દિવસે સપ્ત ઋષિને યાદ કરીને તેના પૂજન સાથે સ્નાન કરવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિના આત્મા આજના દિવસે શુદ્ધ થતા હોય છે. જેથી પણ ઋષિ પાંચમનો તહેવાર સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.