સિંહોની સુરક્ષાને લઈને વન વિભાગ વધુ સચેત અને જાગૃત બની રહ્યું છે. સમગ્ર એશિયામાં અને એક માત્ર ગુજરાતમાં જોવા મળતા સિંહોના ટ્રેનની અડફેટે થઇ રહેલા મોતને કારણે હવે પીપાવાવથી અમરેલી સુધીના રેલવે માર્ગ પર વન વિભાગ અને રેલવેના સંયુકત સહકારથી આધુનિક કહી શકાય તેવી ફાઈબર બ્રિગ્સ ટેક્નોલોજીના સહારે સિંહોને સુરક્ષા પૂરી પાડવા માટે મહત્વનો પ્રોજેક્ટ શરુ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષથી પીપાવાવથી સાવરકુંડલા વચ્ચેના રેલવે માર્ગ પર અકસ્માતો સર્જાયા છે. જેમાં 20 કરતા વધુ સિંહોના અકાળે મોત થયા છે. જેને લઈને વન વિભાગ અને રેલવે દ્વારા અકસ્માતોને નિવારવા માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. જેમાં હવે સફળતા મળશે તેવું દેખાઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા અકસ્માતના સંભવિત માર્ગ પર ફાઈબર બ્રિગ્સ ટેક્નોલોજીના માધ્યમથી નજર રાખવામાં આવશે.
આ ટેક્નોલોજી દ્વારા રેલ્વેના લોકો પાઇલટને કોઈ પણ પ્રાણી કે અન્ય જીવની રેલવે ટ્રેક પર હાજરીની અગાઉથી જાણ થશે. જેના કારણે પાઇલટ ટ્રેનની ગતિને નિયંત્રિત કરીને સંભવિત અકસ્માતને અટકાવી શકશે.
વન વિભાગ અને રેલવે સંયુક્તપણે આધુનિક ફાઈબર બ્રિગ્સ ટેક્નોલોજીનો અમલ કરવા જઈ રહી છે. જે ગીરના સિંહો માટે વરદાન રૂપ સાબિત થશે. આ ટેક્નોલોજીના મદદથી સિંહના સંવર્ધનની સાથે સુરક્ષા પણ વધુ મજબૂત થશે. જેને કારણે એશિયામાં એક માત્ર ગુજરાતના ગીરમાં જોવા મળતા ગીર કેસરી માટે આશીર્વાદ સમાન હશે.