જૂનાગઢઃ વડાપ્રધાન મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ત્રીજા તબક્કાના લોકડાઉન અને તેના અમલને લઇને કેટલીક ગંભીર ચર્ચાઓ થઈ હતી. વડા પ્રધાન મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાનો વચ્ચે કેટલીક બાબતોને લઈને વિગતવાર અને તલસ્પર્શી ચર્ચાઓ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આગામી 17 તારીખથી ત્રીજા તબક્કાનું લોક ડાઉન પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેને લઇને મોટા ભાગના મુખ્યપ્રધાનો અને ખાસ કરીને જે તે રાજ્યમાં ગ્રીનઝોનના જિલ્લાઓ આવેલા છે, તેમાં વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.
જૂનાગઢનો પણ ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ પાછલા સાત દિવસમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચાર કોરોના સંક્રમિત કેસો સામે આવ્યા છે. તેને લઈને થોડી ચિંતાઓ ઉદ્ભવી શકે છે, પરંતુ જે પ્રકારે 50 દિવસ સુધી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને ખાળવા માટે સફળતા મળી છે. તેને લઈને એવું કહી શકાય કે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કેટલીક વધુ છૂટછાટો આપવામાં આવશે.
હાલ શહેરમાં સવારના 8થી બપોરના ૧૨ સુધી શાકભાજી કરિયાણું અને દૂધ ખરીદવા માટે મુક્તિ આપવામાં આવી છે, ત્યારબાદ બપોરના 12થી સાંજના 6 સુધી મોટા ભાગની ચીજ-વસ્તુઓ સિવાય કે પાન મસાલાને બાદ કરતા ખરીદવાની છૂટ આપવામાં આવી રહી છે, ત્યારે આગામી 17મી તારીખ મોટાભાગની ચીજવસ્તુઓને ખરીદવા માટે સવારના 8થી સાંજના 6 સુધીનો સમય આપવામાં આવે તેવી શક્યતાઓને પણ નકારવામાં આવતી નથી.