- ગિરનાર રોપ-વેની ટિકિટ પ્રવાસીઓ માટે સમસ્યા
- ટિકિટ નક્કી કરવાની સ્વતંત્રતા ગિરનાર રોપ-વેના સંચાલક ઉષા બ્રેકો કંપની પાસે છે
- પ્રત્યેક વ્યક્તિની ટિકિટ 826 અને બાળકોની ટિકિટ 413 નિર્ધારિત કરાઈ
- ઉતારા મંડળના પ્રમુખે ગિરનાર રોપ-વેની ટિકિટની ઘટાડવાની માગ કરી
- જૂનાગઢના ધારાસભ્યએ પણ ટિકિટ ઘટાડવા મુખ્યપ્રધાનને લખ્યો હતો પત્ર
જૂનાગઢ : ગિરનાર રોપ વેની ટિકિટને લઈને છેલ્લા એક અઠવાડિયાથી સતત વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે ઉતારા મંડળના પ્રમુખ દ્વારા પણ રોપ-વેના ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જે પ્રકારને રોપ વે કંપની દ્વારા ટિકિટોના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ઉતારા મંડળના પ્રમુખે વિરોધ વ્યક્ત કર્યો
ગિરનાર રોપ વે શરૂ થયાને પ્રથમ દિવસથી જ ટિકિટના દરો મુશ્કેલી સર્જી રહ્યા છે. જે પ્રકારે રોપવે સંચાલિત ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટના દર 700 અને બાળકો માટે 500 એમ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ બે દિવસ બાદ તેમાં પણ ઘટાડો કરીને 500 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. આ ઘટાડો આગામી 15મી નવેમ્બર સુધી હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યો છે, તેવું કંપની દ્વારા દિલ્હીની હેડ ઓફિસ ખાતેથી ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે હવે ટિકિટના ભાવોને લઇને જૂનાગઢના ઉતારા મંડળના પ્રમુખે પણ વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાથે રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટના ભાવોમાં મોટો ઘટાડો કરવામાં આવે તેવી માગ કરી છે
જૂનાગઢમાં આંદોલન થવાની પણ શક્યતા
ભાવેશ વેકરીયાએ ETV BHARAT સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, ગિરનાર રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા લોકોને લૂંટવાના ઇરાદે ટિકિટોના ઉંચા દર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે હવે આગામી દિવસોમાં કંપની ભાવ ઘટાડાને લઇને કોઇ નક્કર નિર્ણય નહીં કરે, તો જૂનાગઢમાં આંદોલન થવાની પણ શક્યતા જોવાઇ રહી છે.
રાજ્ય સરકારને પણ રજૂઆત કરી
આ સાથે ભાવેશે જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિની 150, બાળક અને વૃદ્ધોની માત્ર 50 અને બિનનિવાસી ભારતીયોને ૪૫૦ રૂપિયા ટિકિટોનો દર કંપનીએ નિર્ધારિત કરવો જોઈએ. આ અંગે તેમણે રાજ્ય સરકારને પણ રજૂઆત કરી છે.
ગિરનાર રોપ-વેની ટિકિટ વધુ હોવાથી પ્રવાસીઓમાં કચવાટ, MLAએ લખ્યો મુખ્યપ્રધાનને પત્ર
રવિવારથી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવેલા ગિરનાર રોપ-વેની ટિકિટને લઈને યાત્રિકો અને પ્રવાસીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ઉષા બ્રેકો કંપની દ્વારા સંચાલિત ગિરનાર રોપ-વેની ટિકિટની કિંમત ઊંચી રાખવામાં આવી છે. જેને લઈને અહીં આવતા મોટાભાગના પ્રવાસીઓ ટિકિટના દરને ઘટાડવાની માગ કરી રહ્યા છે. આ સાથે જ કેટલાક પ્રવાસીઓએ રાજ્ય સરકાર સમગ્ર મામલામાં હસ્તક્ષેપ કરે અને ઉષા બ્રેકો કંપનીના સંચાલકોને ટિકિટ ઘટાડવાની ફરજ પાડે તેવી માગ પણ કરી હતી.
પાવાગઢ અને ગિરનારની ટિકિટના દરમાં જમીન-આસમાન જેટલું અંતર
પાવાગઢ પર વર્ષોથી રોપ-વે ચાલી રહ્યો છે. જેનું સંચાલન પણ ઉષા બ્રેકો કંપની કરી રહી છે, ત્યારે 736 મીટર લંબાઈ ધરાવતા પાવાગઢ રોપ-વેની 141 રૂપિયા જેટલી ટિકિટ છે, જ્યારે 2320 મીટર લંબાઈ ધરાવતા ગિરનાર રોપ-વેની કિંમત 826 રૂપિયા છે. જેથી પ્રવાસીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
GST સાથે ટિકિટના રૂપિયા
ગિરનાર રોપ-વેમાં 25 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી પ્રત્યેક વ્યક્તિની ટિકિટ 600 રૂપિયાની સાથે 18 ટકા GST મેળવીને 708 રૂપિયા થાય છે. આ જ ટિકિટ 14 નવેમ્બર બાદ 700 રૂપિયા અને 18 ટકા GST સાથે 826 રૂપિયા થવાની છે. આવી રીતે જ તમામ બાળકોની ટિકિટ 350 રૂપિયાની સાથે 18 ટકા GST મેળવીને 413 રૂપિયા થવાની છે. જો કોઇ પણ પ્રવાસી ભવનાથ તળેટીથી અંબાજી મંદિર અથવા અંબાજી મંદિરથી ભવનાથ તળેટી તરફ એક તરફી રોપ-વેમાં પ્રવાસ કરવાની ઈચ્છા રાખતો હશે, તે પ્રવાની એક તરફની ટિકિટના 400 રૂપિયા અને તેમાં પણ 18 ટકા GST મેળવીને કુલ 472 રૂપિયા ટિકિટ થવાની છે.