સમગ્ર દેશ અને દુનિયામાં શિવરાત્રીનાં મેળાનો ડંકો વગાડવા માટે વિવિધ આયોજનો કરાયા હતા. જે પૈકી એક જૂનાગઢને શિવ અને શિવના સૈનિકોની સાથે જોડતાં ભીંતચિત્રો બનાવીને જૂનાગઢને શિવમય બનાવવાનો પ્રયાસ કરાયો હતો. એટલે જૂનાગઢ અને આસપાસના ચિત્રકારો દ્વારા શહેર અને ભાવનાથ મંદિર શિવ સાથે જોડાયેલ આ પ્રસંગોના ચિત્રો બનાવ્યા હતા.
ગત વર્ષે પ્રથમ મિની કુંભને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાંથી સાધુ સમાજના અગ્રણીઓ અને ધાર્મિક સંસ્થાના વડાઓને જૂનાગઢ પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેથી ભવનાથ તળેટીમાં મીની કુંભનો માહોલ ઊભો કરવા માટે ચિત્ર રૂપી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે તે સમયે ચિત્રો બનાવવા માટે ફંડનું પણ આયોજન થયું હતું.
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચિત્રો બનાવનાર દરેક કલાકારને પ્રોત્સાહનના ભાગરૂપે ઇનામ આપવાની પણ જાહેરાત કરાઇ હતી. પરંતુ આજે એક વર્ષ કરતા વધુ સમય વિત્યો હોવા છતાં પણ આ કલાકારો તેમના પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર દ્વારા પ્રોત્સાહિત ઇનામોની જાહેરાત કરવાની લોકમાગ પ્રબળ બની છે.