સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ભારે મંદી પ્રવર્તી રહી છે, આજથી 2 વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલી નોટબંધી અને જીએસટીની અસર હજુ પણ બજારોમાં છે. જેને કારણે વર્તમાન સમયમાં મંદીની માર યથાવત છે. હાલ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીના તહેવારનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે બજારમાં પ્રવર્તી રહેલી વ્યાપક સુસ્તી વેપાર-ધંધા પર ખૂબ જ માઠી અને વિપરીત અસરો ઉભી કરી રહી છે.
બજારના નિષ્ણાતો અને વેપારીઓ મંદી માટે નોટબંધી અને જીએસટીને જવાબદાર ગણાવી રહ્યા છે. જે તે સમયે નોટબંધી અને જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા અર્થવ્યવસ્થા પાટા ઉપર આવશે તેવો ભરોસો આપવામાં આવ્યો હતો, સરકારે કહ્યુ હતું પ્રારંભિક તબક્કામાં પડેલી મુશ્કેલીઓ સમય રહેતા દૂર થઈ જશે. નોટબંધી અને જીએસટીથી બજાર અને દેશનું અર્થતંત્ર વધુ સુદૃઢ બનશે તેવો કેન્દ્ર અને રાજ્ય સરકારે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પરંતુ વર્તમાન સમયમાં વિપરીત થઈ રહ્યુ છે. ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી રહી છે. જેના મૂળમાં જીએસટી અને નોટબંધીના આકરા કાયદાને લઈને આ માહોલ ઉભો થયો છે. વેપાર મંદ પડતા એક બાદ એક ઉદ્યોગો અને રોજગારીની તકો ખતમ થઈ રહી છે. બીજી તરફ કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્ મંદીને ખાળવા તેમજ ઉદ્યોગોને બચાવવા અને બજારમાં નવી રોજગારીનું સર્જન થાય તેવા પગલાઓ ભરવા માટે હજુ પણ કોઈ ચોઘડિયાની રાહ જોઈ રહી હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
મંદીનું ગ્રહણ હવે સામાન્ય લોકોના ઘર સુધી પણ પહોંચી ગયું છે. જો સમય રહેતા આ ગ્રહણ પર કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ નક્કર અને હકારાત્મક પગલાં નહિ ભરે તો આગામી દિવસોમાં બજારની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે. જેની ગંભીર અસર દેશના અર્થતંત્ર ઉપર ઉભી થશે.