જૂનાગઢ: તબીબી વિજ્ઞાન દિન પ્રતિદિન ખૂબ આગળ વધી રહ્યું છે. આ સમયગાળામાં નિસંતાન દંપતિઓ IVF પદ્ધતિ દ્વારા સંતાન પ્રાપ્ત કરી રહ્યા છે તે જ રીતે હવે પશુપાલન ક્ષેત્રે પણ ગાયોમાં પણ IVF પદ્ધતિ અમલમાં આવી રહી છે. જેમાં ખૂબ જ ઉચ્ચ સંતતિ પ્રાપ્ત ગાયોના સ્ત્રીબીજ થકી અન્ય ગાયોમાં તેનું IVF પદ્ધતિથી નિરૂપણ કરીને નવી સંતતિની ગાયોને જન્મ આપવાનું કામ થઈ રહ્યું છે.
અમુક ગાયો કે જેમના દૂધ ઉત્પાદનની ક્ષમતા અને સંતતિ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી ગાયોની સંતતિ લુપ્ત ન થાય તેને ધ્યાને રાખીને ગાયોમાં પણ હવે IVF પદ્ધતિનો અમલ શરૂ કરીને ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત નવા બચ્ચાને જન્મ આપવામાં આવી રહ્યો છે. જેમાં દિલ્હીના ડોક્ટર શ્યામ ઝુબેર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યા છે.
ઉચ્ચ કોટીની ગાયોના બચ્ચાને જન્મ આપવા કામગીરી:
પશુપાલન ક્ષેત્રે સમગ્ર ભારતમાં પશુઓમાં IVF પદ્ધતિને લઈને ભારત સરકારના પશુપાલન વિભાગમાં અને પશુપાલન ક્ષેત્રના બોર્ડમાં મેન્ટર અને સભ્ય તરીકે કામગીરી કરી ચૂક્યા છે. તેવા ડોક્ટર શ્યામ ઝુબેર દ્વારા કાંકરેજ, ગીર સહિત દેશી જાતોની ગાયોને IVF પદ્ધતિ થકી અન્ય ગાયોમાં તેમનું ગર્ભ ધારણ કરાવીને ઉચ્ચ સંતતિવાળી ગાયોના બચ્ચાંનો જન્મ થાય તે દિશામાં કામ કરી રહ્યા છે. પશુમાં આ પ્રકારની IVF ટેકનોલોજી નિસંતાનપણુ દૂર કરવા માટે નહીં પરંતુ ઉચ્ચ કોટીની ગાયોના બચ્ચાને જન્મ આપવા માટે થઈ રહ્યું છે.
કુત્રિમ ગર્ભધાન દ્વારા એક વર્ષમાં 125 જેટલા બચ્ચાનો જન્મ:
કુદરતી રીતે એક ગાય તેના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર આઠ બચ્ચાને જન્મ આપી શકે છે. પરંતુ IVF ટેકનોલોજી દ્વારા એક જ ગાયના અંડકોષોમાંથી કુત્રિમ ગર્ભધાન દ્વારા એક વર્ષમાં સૌથી વધુ 125 જેટલા બચ્ચાને જન્મ અપાવવામાં સફળતા મળી છે. શ્યામ ઝુબેર ગૌરી ગાયમાં આ પ્રકારનો સફળ પ્રયોગ કર્યો હતો અને તેમાં એક વર્ષમાં 100 બચ્ચાનો જન્મ થયો, સાથે કુંડળધામ દ્વારા આપવામાં આવેલી સમાધિ નામની ગાયે દોઢ વર્ષમાં 125 જેટલા બચ્ચાને જન્મ આપ્યો હતો.
પશુપાલન ક્ષેત્ર માટે આશીર્વાદ સમાન બનશે આ પદ્ધતિ:
પશુઓ અને ખાસ કરીને દુધાળા પશુઓમાં આ પ્રકારની IVF પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ માનવામાં આવે છે. જેની પાછળ ભારત સરકાર પણ સતત પ્રયત્નશીલ બનીને આ ખર્ચમાં ઘટાડો થાય તે દિશામાં કામ કરી રહી છે. પરંતુ હાલ કુત્રિમ ગર્ભધાન થકી બચ્ચાને જન્મ આપવાની આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ બની રહી છે. જેથી તેનો સાર્વત્રિક રીતે અમલ કરવો આજના દિવસે મુશ્કેલ છે. પરંતુ આવનારા દિવસોમાં આ પદ્ધતિ ખૂબ જ સરળ બનશે જેને કારણે દેશી કુળની ગાયોને સાચવી રાખવામાં અને તેની સંતતિને આગળ વધારવામાં ખૂબ મોટો સહકાર મળશે. વધુમાં આ પ્રકારની પદ્ધતિથી 90 ટકા જેટલી ગાયોના બચ્ચાને જન્મ આપી શકાય છે જેને કારણે પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિને દૂધ ઉત્પાદનમાં આ પદ્ધતિ ખૂબ આશીર્વાદ સમાન બની શકે તેમ છે.