આજે અષાઢી બીજનો પાવન પર્વ છે. જેને લઇને પરબ ધામમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજના મેળામાં પરબધામ આવી રહેલા ભક્તો અને સેવકો માટે ખાસ પ્રકારના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજીત પાંચ હજાર કરતાં વધુ સ્વયંસેવકો મહાપ્રસાદની બનાવટથી લઈને ભક્તો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થાઓમાં લાગી ગયા છે.
પરબધામમાં આપવામાં આવતો પ્રસાદ રામ રહીમના રોટલા સ્વરૂપે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢીબીજના તહેવારમાં લાખોની સંખ્યામાં ભક્તો અને સેવકો આવે તેવો અંદાજ કરવામાં આવ્યો છે. દર વર્ષે અંદાજિત પાંચથી સાત લાખ જેટલા ભક્તો બીજના દિવસે પરબધામ આવીને સતદેવીદાસ અમરદેવીદાસના દર્શન કરીને પોતાની જાતને પાવન કરે છે. તેના માટે મંદિર પરિસરમાં જ ખાસ પ્રકારના વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ વખતે પણ અંદાજીત 5 થી 7 લાખ જેટલા ભક્તો અને સેવકો માટે વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રસાદ બનાવવામાં અને ભક્તો સુધી પહોંચાડવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભર માંથી અંદાજીત પાંચ હજાર કરતાં વધુ કાર્યકરો સેવા કરવા આવ્યા છે. મોટી સંખ્યામાં આવતા ભક્તો અને તેમને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા વગર ભોજન આપવું તે પણ એક ચમત્કારથી ઓછું નથી ત્યારે ભોજન વ્યવસ્થા અને પ્રસાદનું નિર્માણ પણ વ્યવસ્થા ના ભાગરૂપે અહીં આવતા સેવકો બખુબીથી નિભાવી અને સમગ્ર પાવન બને હેમખેમ પસાર કરે છે.