જૂનાગઢ: ગીરની કેરી કેસર તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામે તેની શરૂઆત જુનાગઢ જિલ્લાના વંથલી ગામમાંથી થઈ હતી. કેસર કેરીએ ગીર અને સોરઠ પંથકની ઓળખ છે. કેસર કેરીની શરૂઆત અને તેનું નામ કેમ પડ્યુ તે કહાની રોચક છે. સૌપ્રથમ સાલેહભાઇની આંબળી તરીકે ઓળખાતી કેસર કેરીનો ઇતિહાસ જાણવા જેવો છે.
સાલેહભાઈની આંબળીથી ગીરની કેસર કેરી: કેરીના ઇતિહાસ પર નજર કરીએ તો કેસરનું મૂળ જન્મ સ્થળ જૂનાગઢ નજીકનું વંથલી ગામ માનવામાં આવે છે. વર્ષ 1930 માં અહીંના આંબાવાડીમાં આંબાના ઝાડ પર કેટલાક ઝાડમાં અલગ પ્રકારની કેરી જોવા મળી હતી. જૂનાગઢના નવાબના વઝીર સાલેહભાઈનું ધ્યાન જતા આ કેરીને પોતના ઘરે મંગાવી હતી. ઘરે મંગાવેલી કેરી પાકતા માંગરોળના શેખ જહાંગીર મિયાને ભેટ તરીકે આપી હતી.
જૂનાગઢના નવાબે આપ્યું નવું નામ: સાલેહભાઇએ આપેલી કેરી ચાખતા જ નવાબની ખુશીનો પર રહ્યો ન હતો. કેરીને નવું નામકરણ કરવાની દિશામાં જૂનાગઢના નવાબે તેના દરબારીઓની બેઠક બોલાવી હતી અને નવું નામ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાને કેરીના ખૂબ શોખીન નવાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાર વર્ષના સમયગાળા બાદ કેરીનું ઉત્પાદન શરૂ થયું હતું.
દરબારીઓએ કેરીને આપ્યું કેસર નામ: જૂનાગઢના નવાબની હાજરીમાં મળેલી દરબારીઓની બેઠકમાં દરેક દરબારીને કેરી ખાવા માટે આપવામાં આવી હતી. કેરીનો સ્વાદ, તેની સુગંધ, કેરીના છાલનો કલર અને તેના પલ્પનો રંગ સાલેહભાઈની આંબળી કરતાં અલગ રીતે તરી આવ્યો હતો. આ કેરીમા રેસાઓનું પ્રમાણ ખૂબ ઓછું, ગોઠલુ એકદમ નાનું અને કેરીનો પલ્પ કેસરના કલર જેવો જોવા મળ્યો હતો. અંતે જુનાગઢના નવાબે દરબારીઓના મતને આધારે કેરીને કેસરનું નવું નામકરણ કર્યું હતું.