સોમનાથ : મૌલાના મહંમદ સાઝીદ રસીદીના સોમનાથ મહાદિવ મંદિર પરના નિવેદન બાદ ભારે વિવાદ છેડાયો છે. ત્યારે સોમનાથ મંદિર ભાંગવાને લઈને મહંમદ ગઝનીની એકમાત્ર મેલી મુરાદ ઇતિહાસમાં નોંધાયેલી છે. મહમદ ગઝનીએ સુવર્ણ જડિત સોમનાથ અને જાહોજહાલી ભર્યા પ્રભાસ તીર્થ ક્ષેત્રને લૂંટવાનું નીંદનીય કામ કર્યું હતું. જે સોમનાથ મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલા સાહિત્યમાં નોંધવામાં આવ્યું છે. મૌલાના મોહમ્મદ સાજિદ રસીદી સોમનાથ મંદિર સાથે જોડાયેલા ઈસ 1026 પૂર્વેના ઇતિહાસ સાથે પણ છેડછાડ કરી રહ્યાં છે.
સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે આ ઇતિહાસ : ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટમાં સોમનાથ મંદિરનો જે ઈતિહાસ દર્શાવ્યો છે, તે આ પ્રમાણે છે. સોમનાથએ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના પવિત્ર 12 જ્યોર્તિલીંગમાં સૌપ્રથમ જ્યોર્તિંલીંગ ગણાય છે. ઋગવેદમાં સોમનાથ મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે. સોમનાથ મંદિર પર ઘણા વિનાશકારી વિદેશી આક્રમણકારોએ આક્રમણ કરીને તોડી પાડ્યું છે. પણ તેટલી જ વખત તે ભવ્ય મંદિર નવું બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો ડિસ્કવર ઇન્ડિયા: જાણો કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ વિશે...
725ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે પણ કર્યો હતો હુમલો : સોમનાથનું પ્રથમ મંદિર 2000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈ.સ. 649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજુ મંદિર બનાવ્યું હતું. 725ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હૂમલો કરીને મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ 815માં ત્રીજી વખત લાલ પત્થર વાપરીને મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
છેલ્લે 1706માં ઔરંગઝેબે તોડ્યું સોમનાથ મંદિર : 1026ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથ મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી. લૂંટ કર્યા પછી મંદિરના અસંખ્ય યાત્રાળોઓની કતલ કરી હતી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો હતો. 1026-1042ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું હતું. 1299ની સાલમાં જ્યારે દિલ્હીના સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કર્યો હતો. 1394માં તેનો ફરીથી વિનાશ થયો. 1706ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું હતું.
સરદાર વલ્લભભાઈએ કરાવ્યું પુનઃનિર્માણ : ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947ના દિવસે સોમનાથ મહાદેવના મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. આજના સોમનાથ મંદિરનું તેની મુળ જગ્યાએ સાતમી વખત નિર્માણ થયું છે. 1 ડિસેમ્બર, 1995ના રોજ મંદિરનું પુનઃ નિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું હતું. 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જ્યોર્તિલીંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી હતી.
આ પણ વાંચો Somnath Temple: સોમનાથ મંદિર પર ટિપ્પણી કરી ફસાયા મૌલાના સાજીદ રશીદી, ટ્રસ્ટે નોંધાવી પોલીસ ફરિયાદ
ઇતિહાસકારની દ્રષ્ટિએ : મહંમદ ગઝનીને લઈને એ પ્રકારે વાતાવરણ ગરમાઇ રહ્યું છે. ત્યારે જુનાગઢના ઈતિહાસકાર અને મહંમદ ગઝનીની સાથે પ્રભાસ અને સોમનાથ પર પુસ્તક લખનાર શંભુ પ્રસાદ દેસાઈએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યા મુજબ મોહમ્મદ ગઝની લૂંટારુ અને ઉત્પાતી રાજા હતો. તે રાજવી વંશજની ગુલામ મહિલાનું ગેરકાનૂની સંતાન પણ હતો. પરંતુ ગઝની વંશજમાં જન્મ લેવાને કારણે તેણે ગઝની વંશજના રાજા તરીકે સ્વીકારવામાં આવ્યો. રાજા બન્યા બાદ તે ઉત્પાતી અને લૂંટારુ વલણ ધરાવતો હતો તેવો ઉલ્લેખ પ્રભાસ અને સોમનાથ પર લખાયેલા પુસ્તકમાં ઇતિહાસ પરથી શંભુ પ્રસાદ દેસાઈએ તેનો ઉલ્લેખ કર્યો છે. જૂનાગઢના ઇતિહાસકાર હરીશભાઈ દેસાઈએ ETV Bharat સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પુસ્તકોમાં જે પ્રકારે મહમદ ગઝનીનો ઉલ્લેખ થયો છે તે મુજબ તે પ્રજા વત્સલ રાજા ક્યારેય ન હતો તે એક માત્ર લૂંટારુ અને જાહોજહાલી થી અચંબીત થતો હતો. જેને કારણે તેનો ઇતિહાસમાં કલંકિત રાજવી તરીકે ઉલ્લેખ કરાયો છે.
સાધુ સંતોએ મહંમદ ગઝનીને ગણાવ્યો લૂંટારો : હરિદ્વાર સ્થિત મહામંડલેશ્વર હરિગીરી બાપુએ મહંમદ ગઝનીને ચોર લૂંટારો અને અત્યાચારી શાસક તરીકે ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે ગઝની પ્રાંતનો ગઝની વંશનો રાજા હતો. તેમ છતાં તેમણે સોમનાથની યાહોજહાલી અને હીરા ઝવેરાતને લૂંટવા માટે નીંદનીય કામ કર્યું હતું. મૌલાના મહંમદ સાજીદ રસીદીએ જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ નિંદનીય છે મહંમદ ગઝની ક્યારેય પ્રજા વત્સલ રાજા ન હતો તે એક લૂંટારો હતો અને જાહોજહાલી તેમજ સુવર્ણજડિત જગ્યા પર તે ચડાઈ કરીને તેને લૂંટવાનો વિકૃત આનંદ મેળવતો હતો.
આ પણ વાંચો સોમનાથ મંદિરમાં ભક્તોએ વરસાવ્યો દાનનો વરસાદ, જાણો કેટલું મળ્યું દાન
મહંમદ ગઝની સોમનાથની જાહોજહાલી લૂંટવા મંદિરને કર્યું હતું ધ્વંશ : મેરઠ સ્થિત મસ્જિદના ઈમામ મૌલાના મોહમ્મદ સાજિદ રસીદીએ ગઈ કાલે મોહમ્મદ ગઝનીની તારીફ કરી હતી. જેનો વિવાદ જોવા મળી રહ્યો છે. મૌલાના મોહમ્મદ સાજિદ રસીદીએ જે પ્રકારે મહંમદ ગઝનીને પ્રજાનો હિતેચ્છુ ગણાવ્યો છે તેની સામે હવે વ્યાપક વિરોધ જોવા મળી રહ્યો છે. મહમદ ગઝનીનો ઇતિહાસ તપાસતા જાણવા મળે છે કે તે ગઝની વંશજનો રાજવી હતો. 1026 પૂર્વે મહંમદ ઞઝનીએ સોમનાથના સુવર્ણ જડિત મંદિરને લૂંટવા માટેનું એકમાત્ર તર્કટ રચીને તેના 50,000 કરતાં વધારે યોધ્ધાઓ સાથે સોમનાથ કિલ્લા પર આક્રમણ કર્યું હતું. આઠ દિવસની લડાઈમાં બીજા પ્રયત્ને મહંમદ ગઝનીએ ઈસ1026 પૂર્વે સોમનાથ મંદિરને લૂંટવામાં સફળ રહ્યો અને મંદિરને ધ્વંશ કરીને તેની જાહોજહાલી લૂંટી ગઝની પ્રાંત તરફ પલાયન થઈ ગયો હતો.
ગુર્જર રાજાઓ દ્વારા બનાવેલ ત્રીજું મંદિર મહંમદ ગઝનીએ તોડ્યું : સોમનાથનું ત્રીજું મંદિર જેને તોડવાનો અપયશ મહમદ ગઝનીને ફાળે જાય છે તે ગુર્જર પ્રતિહાર રાજાઓ દ્વારા આઠમી સદીના અંતમાં કે નવમી સદીના પ્રારંભમાં નિર્માણ કરાવ્યું હશે. આ મંદિર લાલ પથ્થરોથી કલાત્મક રીતે બનાવવામાં આવ્યું હોવાને કારણે તેની પ્રસિદ્ધિ સમગ્ર વિશ્વમાં જોવા મળી. મંદિરના 56 સ્તંભમાં કિંમતી રત્નો જડવામાં આવ્યા હતા. આ રત્નોથી મંદિર સ્વયંમ દીપકોની માફક પ્રજવલિત થતું જોવા મળતું હતું. મહાદેવની મૂર્તિ પાસે 200 મણ વજન ધરાવતી સોનાની સાંકળ પર ઘંટરાવ કરવા માટે ઘંટ બાંધવામાં આવ્યો હતો. સોમનાથની આટલી જાહોજહાલી અને કીમતી રત્નોને લૂંટવા માટે મોહમ્મદ ગઝનીએ સોમનાથના કિલ્લા પર ચડાઈ કરી અને મંદિરને ધ્વંશ કરી રત્નો અને સોમનાથની જાહોજહાલી લૂંટીને ફરાર થઈ ગયો.
હજાર કરતાં વધુ ભૂદેવ મંદિરની સેવામાં : ઇતિહાસમાં નોંધવામાં આવેલ છે તે મુજબ સોમનાથના સુવર્ણ અને રત્નોજડિત ત્રીજા મંદિરને ધ્વંશ કરતા પૂર્વે 1000 કરતાં પણ વધુ બ્રાહ્મણો શિવલિંગની સેવા પૂજા કરતા હતા. ઈ.સ. 1026 પૂર્વે સોમનાથ મંદિરને દસ હજાર કરતાં વધુ ગામ દાનમાં પ્રાપ્ત થયા હતા. જે સમયે કીમતી ચીજ વસ્તુઓની બોલબાલા હતી. તે તમામ સોમનાથ મહાદેવમાં જોવા મળતી હતી. જેને લઇને મહંમદ ગઝનીએ સોમનાથ કિલ્લા પર આક્રમણ કર્યુ. મહંમદ ગઝનીના સોમનાથ કિલ્લા પર આક્રમણ થયું તે સમયે સોમનાથ કિલ્લો રાજા માંડલિકના કબ્જામાં હતો. આઠ દિવસના યુદ્ધને અંતે અનેક યોદ્ધાઓ પ્રાણ તર્પણ કર્યા અને અંતે મહમદ ગઝનીએ સોમનાથ કિલ્લો હસ્તગત કરીને શિવલિંગ નષ્ટ કરવાની સાથે મંદિર લૂંટ્યું અને અંતે મંદિરને ભસ્મીભૂત કરવામાં મહંમદ ગઝની સફળ રહ્યો.
સોમનાથ મંદિરની જાહોજહાલીથી આકર્ષિત થયો હતો ગઝની : ઇ.સ. 2000 પૂર્વે સોમનાથ મંદિરનુ બાંધકામ થયું હશે તેવું ઇતિહાસમાં નોંધાયેલું છે. સોમનાથ મંદિરની જાહોજહાલી અને ભવ્ય રત્નોને મેળવવા માટે મહંમદ ગઝની છઠ્ઠી જાન્યુઆરી 1026ના રોજ 80 દિવસની મુસાફરી કરીને સોમનાથ પહોંચ્યો હતો. સોમનાથ પહોંચતા જ મહંમદ ગઝનીએ સોમનાથ કિલ્લા પર આક્રમણ શરૂ કરી દીધું. પરંતુ મહાદેવની પૂજામાં રહેલા બ્રાહ્મણો યોદ્ધાઓ અને સ્થાનિક લોકોના પ્રતિકારને કારણે તેણે પરત ફરવાની ફરજ પડી હતી. પરંતુ બે દિવસ બાદ 8 જાન્યુઆરી 1026ના દિવસે તેણે વિશાળ સેના સાથે સોમનાથ કિલ્લા પર સશસ્ત્ર હુમલો કરી દીધો. ત્રણ દિવસની આ લડાઈમાં મહમદ ગઝની અને સોમનાથનુ રક્ષણ કરતાં 50,000 કરતાં વધુ યોદ્ધાઓ એ પ્રાણની આહુતિ આપી હતી. ઇતિહાસમાં નોંધાયેલી તવારીખ મુજબ 8 જાન્યુઆરી 1026 ના દિવસે મહમદ ગઝની તેના પુત્ર અને સેનાપતિ સાથે સોમનાથ મંદિરના કિલ્લામાં પ્રવેશીને રત્નો જાહોજહાલી અને ભવ્યતાને લૂંટવાનું શરૂ કર્યું હતું.
શિવલિંગના બે ટુકડા કરી સોમનાથ મંદિરને કર્યું ધ્વંશ : સોમનાથ કિલ્લા પર ચડાઈ કરીને જીત મેળવેલા મહમદ ગઝની શિવલિંગના બે ટુકડા કરીને હીરા ઝવેરાત સોનું લૂંટી લીધા બાદ સોમનાથ જિલ્લામાં ગઝનીએ 18 દિવસ સુધી રોકાણ કર્યું હોવાનું પણ ઇતિહાસમાં નોંધાયેલું છે. આ સમય દરમિયાન તેમણે સોમનાથના યુવાનોને તેમના ગુલામ બનાવ્યા અને જે લોકો મહમદ ગઝનીની શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર ન થયા તે તમામની હત્યા નિપજાવી નાખવામાં આવી. ઇતિહાસમાં નોંધાયેલ તારીખ મુજબ 2 એપ્રિલ 1026ના દિવસે 165 દિવસ બાદ મહંમદ ગઝની તેના જીવિત 2000 સૈનિકો સાથે ફરી ગઝની પ્રાંત પહોંચ્યો હતો.
સોમનાથ મંદિરની માહિતી : હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક સમા બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મંદિરને 16 વખત લૂંટાયું હોવાનું માનવામાં આવે છે, પણ સોમનાથ દર વખતે વધુને વધુ ભવ્ય બનીને લોકો પર આશિષ વરસાવે છે. ત્યારે અત્યારના સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર મહા પ્રસાદ અને મેરુ પ્રસાદ એવી બે શૈલીને જોડીને મહંમેરુ પ્રસાદ નામની નવીન શૈલીમાં બનાવવામાં આવેલું છે. જેમાં કુલ 3 મંડપ આવેલા છે ગર્ભગૃહ, નૃત્યમંડપ અને સભામંડપ તો સાથે જ 3 માળના આ મંદિરમાં 251 થી વધુ સ્તંભો આવેલા છે. મંદિરના શિખરના કળશનો વજન આશરે 10 ટન જેટલો છે અને મંદિરની કુલ ઊંચાઈ 211ફૂટ અને 4 ઈંચ જેટલી થાઈ છે, ત્યારે સોમનાથનો ઇતિહાસ પણ આ આંકડાઓની જેમ ઉપર અને નીચે થતો ખૂબ જ રસપ્રદ રહ્યો છે.