સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલીંગની કથા અને દર્શન તો આપે ખૂબ કર્યા હશે, પરંતુ આજે અમે આપને સ્વયંભૂ રીતે શિવની કૃપા મેળવનાર વ્યક્તિની મુલાકાત કરાવીશું.
શિવ ભક્તિની દરેકની અલગ અલગ રીત હોય છે પરંતુ હસમુખભાઇની રીત સાવ અનેરી છે. નથી તેમને કોઈ ચિત્રકલાનું ખાસ જ્ઞાન કે નથી મોટું કંઇ વિશેષ સાધન...સ્વયંભુ રીતે ભગવાનની કૃપા થતાં તેમણે શિવજીના ચિત્રો બનાવાની શરૂઆત કરી વર્ષ ૨૦૦૩માં હતી. માત્ર કાળી અને લાલ રંગની પેનનો ઉપયોગ કરી તેઓ આ ચિત્રો બનાવે છે. આ ચિત્રો બનાવતા બનાવતા તેમને વધુ એક સ્ફૂરણા થઇ કે આ ચિત્રોનું સૌ કોઇ દર્શન કરી શકે તે માટે તમામ જ્યોતિર્લીંગ પર તેનું પ્રદર્શન કરવું.
તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર એસ એસ સી સુધીનો અભ્યાસ ધરાવતા હસમુખભાઇ અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં પાન પાર્લર ચલાવે છે અને તેમાંથી સમય કાઢીને શિવજીની આ અનેરી ભક્તિ કરે છે...જેમાં તેમની પૂજાના સાધનો છે બસ...કાગળ અને બે પેન
વર્ષ ૨૦૦૫માં સૌપ્રથમ જ્યોતિર્લીંગ શ્રી સોમનાથથી તેમણે પ્રારંભ કર્યો અને ત્યારથી દર શ્રાવણ માસમાં તેઓએ ક્રમ પ્રમાણે વિવિધ જ્યોતિર્લીંગ પર પોતાના તૈયાર કરેલા ચિત્રોની શિવ દર્શન યોજ્યું હતુ. જે તે જ્યોતિર્લીંગ સાથે સંકળાયેલી કથાના આબેહુબ ચિત્રોનું તેમની પાસે સંગ્રહ તૈયાર થયો છે.
હસમુખભાઈએ દ્વાદશ જ્યોતિર્લીંગની 14 વર્ષ સુધી યાત્રા કરીને ત્યાં શિવને લગતા ચિત્રો કેનવાસ પર કંડારીને અનોખી રીતે શિવ ભક્તિ કરી છે. તેમની શિવ ભક્તિના ચિત્રો આજે 14 વર્ષની ધાર્મિક સફર પૂર્ણ કરીને ભવનાથની ગિરી તળેટીમાં આવ્યા છે. જૂનાગઢમાં ગિરનાર પરિક્ષેત્રમાં આયોજિત પ્રથમ મીની કુમ્ભ મેળામાં તેમના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.......
આ ચિત્રો...તેમની આસ્થાનો આકાર છે,, જ્યારે તેઓ આ ચિત્રો દોરે છે ત્યારે તેમને મહાદેવની સમીપ હોવાનો અહેસાસ થાય છે. જીવ જ્યારે શિવમય બની જાય છે ત્યારે તે શિવના વિચારોમાં ખોવાઈ જાય છે. શિવો ભૂત્વા શિવં યજેત...અને જીવ-શિવના આ દિવ્ય અતુટ સગપણના આલેખનું, આ લાલ-કાળી રેખાઓમાં દર્શન થાય છે.