જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાની કાથરોટા માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વર્તમાન સમયની ખૂબ જ આવશ્યકતા અને કોઈ પણ વ્યક્તિની સાથે મિલકતની સુરક્ષા અને કામના સ્થળો પર વ્યક્તિની હાજરીને લઈને ચોક્કસ પ્રકારે નોંધ કરીને જેતે વ્યક્તિને તેની સચોટ માહિતી આપતું એક આધુનિક સમયનું ઉપયોગી ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ બનાવ્યું છે. જે કોઈ પણ ઘર મકાન બેન્ક કે સ્થાવર મિલકતની સિક્યુરિટી અને અનઅધિકૃત રીતે કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ન કરી શકે તે માટેની ચોક્કસ સુરક્ષા સાથેનું આ ગેજેટ બનાવ્યું છે.
ચોરીની ઘટનાઓ અટકાવશે: કાથરોટા માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ સુરક્ષા અલાર્મ સિસ્ટમ બનાવી છે. તે કોઈ પણ સ્થળે થતી ચોરીની ઘટનાથી બચાવી શકે છે. સાથે સાથે કોઈ પણ જગ્યા પર અનઅધિકૃત વ્યક્તિઓના થતા પ્રવેશને પણ અટકાવે છે. વધુમાં આ ડિવાઇસની મદદ થી કોઈ પણ કાર કે સ્કૂટરને પણ સંચાલિત કરી શકાય છે. જેથી કાર અને સ્કૂટરની ચોરી થવાની સ્થિતિમાં તે વાહન કેટલી દુરી પર છે અને તેને બંધ કરવાનું પણ આ ડિવાઇસ થકી શક્ય બની શકે છે.
અનઅધિકૃત પ્રવેશને અટકાવશે: કોઈ પણ જગ્યા પર આ ડિવાઇસને લગાવી દીધા બાદ જે તે જગ્યાએ કોઈ પણ વ્યક્તિના અનઅધિકૃત પ્રવેશને અટકાવી શકાય છે. સાથે કઈ વ્યક્તિ કેટલા વાગ્યે પ્રવેશી અને ક્યારે બહાર નીકળી તેની તમામ વિગતો પ્રાપ્ત થઈ શકે છે. આ ડિવાઇસ આધાર કાર્ડની જેમ વ્યક્તિના ઓળખ પત્ર પર કામ કરશે. જે તે વ્યક્તિને ઓળખ પત્ર આપ્યું હોય અને તેનો ડેટા ડિવાઇસમાં અગાઉથી ઇન્સ્ટોલ કરી દેવામાં આવશે. જે વ્યક્તિના ડેટા આ સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરાયા છે તે વ્યક્તિની જે-તે સ્થળ પર શરૂઆતના સમયથી અંતિમ સમય સુધીની હાજરી નોંધાશે.
'અમારી શાળાના બાળ વૈજ્ઞાનિકોએ આધુનિક સમયની સૌથી જરૂરિયાત એવી સુરક્ષા ડિવાઇસનું નિર્માણ કર્યું છે. આ ડિવાઇસની મદદથી કોઈપણ વ્યક્તિના અનઅધિકૃત પ્રવેશને અટકાવવાની સાથે જે તે વ્યક્તિની નિર્ધારીત સ્થળે હાજરી કેટલા સમય સુધી છે તે પણ જાણી શકાય છે. વધુમાં આ ડિવાઇસ કોઈ પણ કાર કે સ્કૂટરને ચોરાવાની સ્થિતિમાં તેનું લોકેશન પણ જાણી શકે છે. જેથી આ ડિવાઇસ ખૂબ જ મહત્વનું આવનારા દિવસોમાં બની રહેશે.' - બલદેવપરી, માર્ગદર્શક શિક્ષક