જૂનાગઢ : વિસાવદર બેઠક પરથી ભાજપના પ્રચંડ મોજાની વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીએ આજે અચાનક ધારાસભ્ય પદેથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું ધરી દેતા રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભૂપત ભાયાણી રાજીનામું આપશે તેને લઈને કોઈ અહેવાલો પ્રાપ્ત થયા ન હતા. પરંતુ આજે અચાનક વિધાનસભાના અધ્યક્ષને મળીને વિસાવદર બેઠક પરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દિઘું છે.
રેશમા પટેલના ભાજપ પર આકરા વાક પ્રહારો : ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના મહિલા પાંખના પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ સત્તાની લાલચમાં રાજનીતિનું ચીરહરણ કરવા સુધી આગળ વધી ગયું છે. ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે સત્તા સ્થાને બેસેલા ભાજપને ધારાસભ્યોની ભૂખ શા માટે છે? તેને લઈને પણ સવાલો ઊભા કર્યા હતા.
રાજીનામાંથી રાજનિતીમાં ગરમાવો જોવા મળ્યો : વિસાવદરની જનતાએ શૂન્ય માંથી અનેક નેતાઓનું સર્જન કર્યું છે અને તેજ નેતાઓને ફરી શૂન્ય તરફ પણ ધકેલી દીધા છે. ત્યારે ભુપત ભાયાણીના રાજીનામાંથી પક્ષને ખૂબ દુઃખ થયું છે. પરંતુ વિસાવદરના મતદારો કોઈ પણ પક્ષ દ્રોહી કે મતદારોને છેતરીને અન્ય પક્ષની તરફેણમાં જાય તેવા તમામને ભૂતકાળમાં રસ્તો દેખાડ્યો છે અને આગામી દિવસોમાં વિસાવદરના મતદારો તેમની આ પરંપરા પર ચોક્કસ આગળ વધતા જોવા મળશે.