શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે, હર કોઈ શિવની ભક્તિમાં લીન થતાં જોવા મળી રહ્યા છે. ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમી જૂનાગઢની ગીરી તળેટી પણ સાધુ અને સંતોની શોભાવનારી વૃદ્ધિથી ઝળહળી રહી છે. ત્યારે, ગુરુ ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ દ્વારા આજે શ્રાવણના ત્રીજા સોમવારે ગિરનાર પરિક્ષેત્રના સાધુ અને સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભંડારામાં ગિરી તળેટીના અંદાજિત 5 હજાર કરતાં વધુ સંતોએ હાજરી આપી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમી ગીરી તળેટીમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો થતા હોય છે. તે પૈકીનો એક ધાર્મિક આયોજન એટલે ભંડારો. આ ભંડારામાં ગિરિ તળેટીના તમામ સાધુ-સંતો હાજર રહે છે અને ભાવથી પીરસવામાં આવતું ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને ધન્યતા અનુભવે છે.
તો બીજી તરફ ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ દ્વારા ભંડારમાં ઉપસ્થિત સાધુસંતોને એક સમાન દક્ષીણા આપીને પવિત્ર શ્રાવણ માસની ભારે આસ્થા અને ધાર્મિક એકતા સાથે ઉજવણી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ મહિનામાં ગુરુ ગોરખનાથ આશ્રમમાં આ પ્રકારના ધાર્મિક આયોજનો થતા આવ્યા છે. જેમાં સમગ્ર ગીરી તળેટીના સાધુ અને સંતો ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ભાગ લઈને પવિત્ર શ્રાવણ માસની ભારે ભક્તિસભર ઉજવણી કરે છે.