જૂનાગઢઃ પાછલા કેટલાક વર્ષોથી રક્ષાબંધનનો તહેવાર તારીખ અને તિથિમાં અટવાતો જોવા મળી રહ્યો છે. તેથી સામાન્ય લોકોમાં પણ મુંઝવણ જોવા મળી રહી છે. રક્ષાબંધનનો તહેવાર એટલે કે શ્રાવણી પૂનમ બુધવારે કે ગુરુવારે છે તેવી સ્પષ્ટતા બાબતનો સમગ્ર મામલો છે. જૂનાગઢના પંડિત ચેતનભાઇ શાસ્ત્રીએ આગામી 30 તારીખે શ્રાવણી પૂનમ હોવાને કારણે રક્ષા બંધનનો તહેવાર ઉજવવો જોઈએ અભિપ્રાય આપ્યો છે.આ વર્ષે શ્રાવણી પૂર્ણિમાની તિથિ 30 ઓગસ્ટ અને બુધવારે સવારે 10 વાગ્યે અને 58 મિનિટથી શરૂ થઈને બીજે દિવસે એટલે કે 31 તારીખ અને ગુરુવારના દિવસે વહેલી સવારે 07 વાગ્યે અને 58 મિનિટે પૂર્ણ થાય છે.
તારીખ અને તિથિમાં અટવાયો રક્ષાબંધનનો તહેવારઃ ભાઈ-બહેનના આ પવિત્ર બંધનના તહેવારને કઈ તારીખ કે તિથિમાં ઉજવવો તેને લઈને મુંઝવણ જોવા મળી રહી છે. જૂનાગઢના પંડિત ચેતનભાઇ શાસ્ત્રી એ આગામી રક્ષાબંધન, શ્રાવણ સુદ પૂનમને 30 તારીખે ઉજવવાની રજૂઆત કરી છે. આગામી 30 તારીખ અને બુધવારના દિવસે શ્રાવણી પૂનમ હોવાને કારણે રક્ષાબંધન નો તહેવાર ઉજવવો જોઈએ. આજ દિવસે બ્રાહ્મણોએ નૂતન યજ્ઞોપવિત પણ ધારણ કરવી જોઈએ.
જ્યોતિષીઓમાં મત મતાંતરઃ હિન્દુ તિથિ મુજબ બળેવનો તહેવાર ક્યારે છે તેને લઈને જ્યોતિષીઓમાં પણ મત મતાંતર જોવા મળે છે. કેટલાક જ્યોતિષીઓ 30 ઓગસ્ટ ને બુધવાર ની રાત્રે 09 વાગ્યે 05 મિનિટ થી લઈને 10 વાગ્યે 55 મિનિટ સુધી રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહર્ત જણાવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક જ્યોતિષો એવું પણ માની રહ્યા છે કે ધાર્મિક દ્રષ્ટિએ ૩૧મી ઓગસ્ટ અને ગુરુવારના દિવસે આખો દિવસ રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારને ઉજવી શકાય છે. કેટલાક જ્યોતિષીઓ 30 અને 31 તારીખ એટલે કે બુધવાર અને ગુરુવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકાય છે તેવો મત પણ ધરાવે છે.
ભદ્રા વિષ્ટિ યોગમાં રાખડી ન બંધાવી જોઈએઃ 30 ઓગસ્ટ અને બુધવારના સવારે 10 વાગ્યે 58 મિનિટ થી શરૂ થશે અને તેજ દિવસે રાત્રે 9:00 વાગ્યા અને 01 મિનિટ બાદ સમાપ્ત થશે. ભદ્રા વિષ્ટિ યોગમાં રાવણને તેની બહેન શુર્ણપંખાએ રાખડી બાંધી હતી. પરિણામે સમગ્ર રાવણ કુળનો નાશ થયો હોવાની લોક વાયકા પ્રચલિત છે. ભદ્રા વિષ્ટિ કાળમાં રાખડી ન બાંધવી જોઈએ.