જૂનાગઢઃ આજે પણ ટીટોડીના ઈંડાને લઈને વર્ષા વિજ્ઞાન કરવામાં આવે છે. જ્યારે વરસાદને લઈને કોઈ આધુનિક ટેકનીક જોવા મળતી ન હતી, તેવા સમયે આવી પ્રાચીન અને દેસી પદ્ધતિઓ દ્વારા સમગ્ર દેશમાં વરસાદ અંગે આગાહીઓ કરવામાં આવતી હતી. આ વર્ષે ટીટોડીએ ત્રણથી ચાર ઈંડા મુક્યા છે, જેના વર્તારા મુજબ આ વર્ષે ખૂબ સારો વરસાદ પડવાની આગાહી વર્ષા વિજ્ઞાનના આગાહીકારો દ્વારા કરવામાં આવી છે.
પૌરાણિક પદ્ધતિઓ દ્વારા વરસાદની કરાઈ આગાહી
- ટીટોડીના ઈંડા પરથી વરસાદના આગમનની કરાઈ આગાહી
- આ વર્ષે ટીટોડીએ 3 ઈંડા મૂકતા થશે સારો વરસાદ
આધુનિક સમયમાં પણ વરસાદને લઈને આજે પણ દેશી અને પૌરાણિક પદ્ધતિઓ દ્વારા વરસાદનું અનુમાન વરસાદ વિજ્ઞાન મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મંડળ દ્વારા હોળીની જાળ વર્ષા રાણીનું ફૂલ પવનની દિશા ચણીબોરના ઉતારા અને ટીટોડી દ્વારા મૂકવામાં આવતા ઈંડાને લઈને વરસાદ અને વર્ષ અંગે આગાહી કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે ટીટોડીએ અલગ અલગ વિસ્તારોમાં ત્રણથી લઈને ચાર ઈંડા મુક્યા છે. જેને લઇને આ વર્ષે વરસાદની દ્રષ્ટિએ સારું રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સામાન્ય પરિસ્થિતિમાં ટીટોડી વૈશાખ મહિનામાં ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વર્ષે ચૈત્ર મહિનામાં ટીટોડીએ ઈંડા મુક્યા છે. જ્યાં સુધી ઇંડાંમાંથી બચ્ચાં બહાર ન આવે ત્યાં સુધી જમીનમાંથી પાણી વહેતા રહે તેવો વરસાદ થવાની શક્યતાઓ નહીંવત જોવા મળે છે. ટીંટોડી દ્વારા જે ઈંડાઓ મૂકવામાં આવ્યા છે, તે મુજબ ઈંડાનું મુખ જમીન તરફ હોવાને કારણે આ વર્ષે ખૂબ સારો વરસાદ થવાની સાથે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવાની શક્યતાઓને પણ નકારી શકાતી નથી.
જે વર્ષે ટીટોડી બે ઇંડા મૂકે ત્યારે અને ખાસ કરીને નદી વિસ્તારના પટમાં ઈંડા જોવા મળે તે વર્ષ વરસાદને લઈને મુશ્કેલીવાળુ તેમજ આ વર્ષમાં દુષ્કાળ પડે તેવી શક્યતાઓ પણ વર્ષા વિજ્ઞાન આગાહીકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ વર્ષે ટીટોડીએ ત્રણથી લઈને ચાર ઈંડા મુક્યા છે. જેનું મુખ જમીન તરફ જોવા મળે છે જેના પરથી એવું કહી શકાય કે, વરસાદ ખૂબ સારો પરંતુ થોડો મોડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.