- જેતપુરના ઔદ્યોગિક એકમો દ્વારા જૂનાગઢની સ્થાનિક નદીઓમાં ફેલાય રહ્યુ છે પ્રદૂષણ
- કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે હલ્લાબોલની તૈયારીઓ
- કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયુ ઉબેણ બચાવો અભિયાન
રાજકોટ: જિલ્લાના જેતપુરમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા છેલ્લા 10 વર્ષોથી પણ વધારે વર્ષથી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. ઓદ્યોગિક એકમોમાંથી કેમિકલયુકત અને હાનિકારક રસાયણો સાથેનું પાણી વહેતું મૂકવામાં આવે છે. આ પાણી ભાદર અને જૂનાગઢની ઉબેણ સહિત અને સ્થાનિક નદીઓને પ્રદૂષિત કરી રહી છે. જેને કારણે જૂનાગઢ જિલ્લાની મોટાભાગની નદીઓમાં પ્રદૂષણ અને કેમિકલ યુક્ત પાણી સતત વહી રહ્યું છે. આથી જળની સાથે જમીનની ગુણવત્તા અને નદી વિસ્તારમાં આવતા ગામના લોકોને સામાન્યથી લઈને કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેની સામે ગામલોકોએ એકતા બતાવી છે. આવા એકમો સામે હલ્લાબોલની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
દસ વર્ષથી જૂનાગઢની સ્થાનિક નદીઓમાં ફેલાય રહ્યુ છે પ્રદૂષણ
છેલ્લા દસ વર્ષથી પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેતપુરમાં આવેલા સાડી બનાવવાના કારખાનાને કારણે તેમાંથી નીકળતું ઝેરી અને ખૂબ જ હાનિકારક કહી શકાય તેવું કેમિકલયુક્ત પાણી સીધું ભાદર અને ત્યાંથી ઉબેણ સહિત જૂનાગઢની અન્ય સ્થાનિક નદીઓમાં ભળી જાય છે. જેને કારણે સમગ્ર નદીનો પ્રવાહ પ્રદૂષણયુક્ત પાણીથી તરબતર થતો જોવા મળે છે. વધુમાં સાડીના કારખાનાઓમાં જે ઘાટ બનાવવામાં આવ્યા છે. ત્યાંથી પણ રસાયણ યુક્ત પાણી બારેમાસ છોડવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન વરસાદના સ્વચ્છ પાણીથી ખડખડ વહેતી નદીઓ પ્રદૂષણયુક્ત બની રહી છે. ત્યારે હવે ઝાલણસરના ગામલોકો અને ખેડૂતોએ જેતપુરના ઔદ્યોગિક એકમો સામે હલ્લાબોલ કરવાની તૈયારીઓ શરૂ કરી લીધી છે. 7 જાન્યુઆરીથી સમગ્ર કાર્યક્રમને રૂપરેખા સાથે જાહેર કરવાની તૈયારી પણ કિસાન ક્રાંતિ ટ્રસ્ટએ કરી છે.