જૂનાગઢઃ હાલ દિવસે અને દિવસે ગુજરાતમાં કોરોના વાયરસ તેનો પગ પેસારો વધુ મજબૂત કરી રહ્યો છે, દરરોજ કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે કોરોના વાઈરસ અશક્ત બિમાર અને અસ્વચ્છ વ્યક્તિઓને પહેલો નિશાન બનાવે છે. માટે જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરતા ભિક્ષુકો અસ્થિર તેમજ એકલવાયું જીવન જીવતા 30 કરતા વધુ વ્યક્તિઓને જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં લાવીને તેમને સ્વચ્છ કરવાનું મહાઅભિયાન જૂનાગઢ પોલીસે શરૂ કર્યું છે.
ત્યારબાદ તમામ ભિક્ષુકોને સ્વચ્છ કપડાં પહેરાવીને પોલીસ મથકમાં જ પોષણક્ષમ આહાર અને નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી. સંકટની આ ઘડીમાં આવા લોકો કોરોના વાયરસનો શિકાર ન બને અને આજ વ્યક્તિઓ કોરોના વાયરસના વાહક ન બને તે માટે જૂનાગઢ પોલીસે માનવતાનું અદભૂત ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.