જૂનાગઢ: પાછલા 24 કલાકથી જુનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાનો વરસાદ બિલકુલ મુકામ કરીને ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે પ્રકૃતિને માણવી પણ એક આહલાદક અનુભવ સમાન માનવામાં આવે છે. કવિઓની કલમ પણ જૂનાગઢની ગીર તળેટી અને પ્રકૃતિ સુધી ખેંચાઈ આવે છે. સતત વરસતા વરસાદની વચ્ચે પ્રકૃતિના સાનિધ્યે યુવાન હૈયાઓ ડ્રીંક ઓફ જુનાગઢ એટલે કે એક માત્ર જુનાગઢ શહેરમાં મળતો અને પીવાતો આરોગ્યવર્ધક કાવાની ચૂસકી માણીને વરસાદને કંઈક અનોખી રીતે માણી રહ્યા છે.
કાવો આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ: એકમાત્ર જુનાગઢ શહેરમાં અને તે પણ ભવનાથની ગીરી તળેટીમાં મળતો આયુર્વેદિક શક્તિ વર્ધક કાવો શિયાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન સૌ કોઈને આકર્ષિત કરે છે. પરંતુ ખાસ ચોમાસામાં વરસતા વરસાદની વચ્ચે હુંફનો આહલાદક અનુભવ કરાવતો આ કાવો ખાસ કરીને તમામ વર્ગના લોકોને ભવનાથ સુધી ખેંચી લાવે છે. વરસાદ અને પ્રકૃતિને માણવાની સાથે જાણે કે આરોગ્યના એક એક ઘૂંટ લોકોને નવ પલ્લિત કરતા હોય તે પ્રકારે લોકો ચોમાસા દરમિયાન ભવનાથનો કાવો પીવાનું ચૂકતા નથી. જે કાવાની દીવાનગી કેટલી હદે લોકોને આકર્શી રહી છે તે દર્શાવવી આપે છે.
કાવાની દીવાનગી યુવાનોના શબ્દોમાં: કાવાની ચુસ્કી લગાવતી કાવ્યાએ ઈ ટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે એક તરફ કુદરતનું હેત આકાશમાંથી વરસી રહ્યો હતો બીજી તરફ નજરની સામે પ્રકૃતિ સોળેકળાએ ખિલેલી જોવા મળતી હતી. ત્યારે કાવાની એક ચુસકી સૌ કોઈને આકર્ષિત કરી રહી છે. કાવો ટેસ્ટ ઓફ જુનાગઢ તરીકે પણ ઓળખાય છે. ત્યારે વરસતા વરસાદની વચ્ચે પ્રકૃતિના ખોળે કાવાની ચુસ્તી સૌ કોઈને ખેંચી રહી છે. અન્ય એક પ્રવાસી વિરાજે કાવાને લઈને તેમના પ્રતિભાવો ઈટીવી ભારત સાથે વ્યક્ત કર્યા હતા અને જણાવ્યું હતું કે વરસતા વરસાદની વચ્ચે કાવાનું વર્ણન કરવા માટે ગુજરાતી વર્ણમાળાના શબ્દો ખુટી પડે છે આટલો આહલાદક અનુભવ કાવો સૌ કોઈને કરાવે છે.
કેવી રીતે બનાવાય છે કાવો: ચોમાસા અને શિયાળા દરમિયાન સૌ કોઈની પહેલી પસંદ બનતો કાવો આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ સર્વોત્તમ માનવામાં આવે છે. તાંબાના વાસણમાં સગડી પર પાણીની સાથે ગુંદદાણા, લીંડીપીપર, હજમો, તુલસીના પાન, જાયફળ, લવિંગ, દાડમ અને અરડૂસીના પાન સાથે મિલાવીને તેને ખૂબ જ ધીમા તાપે સતત ઉકાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં પ્રત્યેક ગ્રાહકના સ્વાદ અને રૂચી અનુસાર આદુ લીંબુ અને મરી પાવડર મેળવીને ગ્રાહકોને ગરમા ગરમ પીરસવામાં આવે છે. જેનો ટેસ્ટ કરવા માટે લોકો દૂર દૂરથી ભવનાથમાં આવતા જોવા મળે છે.