જૂનાગઢ: બહાઉદીન કોલેજ નજીક આવેલા જૂનાગઢ મનપાના ડમ્પિંગ સ્ટેશનને હટાવવા મહિલાઓ વિફરી છે. છેલ્લા ઘણા વર્ષોથી હાજીયાણી બાગમાં નગરપાલિકા અને ત્યારબાદ મહાનગરપાલિકાનું ડમ્પિંગ સ્ટેશન અસ્થાયી રૂપથી ચાલી રહ્યું છે. ત્યારે કોરોના ખતરાને લઈને આ વિસ્તારની મહિલાઓ ડમ્પિંગ સ્ટેશન દૂર કરવાની માગ કરી રહી છે
હાજીયાણી બાગ નજીક અને બહાઉદીન કોલેજના પાછળના ભાગમાં જુનાગઢ મહા નગરપાલિકા હસ્તકનું કચરાનું ડમ્પિંગ સ્ટેશન આવેલું છે. ત્યારે કરોના વાઈરસના ખતરાને લઈને હવે આ ડમ્પિંગ સ્ટેશન ગંદકીની સાથે કોઈ મહામારી ઊભી થાય તેનો ભય સતત સતાવી રહ્યો છે. જેને ધ્યાને રાખીને આ વિસ્તારની મહિલાઓ હવે વિરોધ પ્રદર્શનના માર્ગે વળી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો કચરાના ડમ્પિંગ સ્ટેશને લઈને અવાર નવાર રજૂઆતોથી લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતાં હવે મહિલાઓ આ કચરાને દૂર કરવા મેદાનમાં ઉતરી છે.
એક તરફ કોરોના વાઇરસને લઈને દેશના આરોગ્ય વિભાગે પણ જરૂરી તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી છે. તેમજ રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પણ સ્વચ્છતાને લઈને ગંભીર બને અને લોકોનુ આરોગ્ય ન જોખમાય તેની તકેદારી રાખે એવું સ્પષ્ટ આદેશો દ્વારા જાણ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ મનપા આ વિસ્તારમાં ગંદકી દૂર કરવાની વાતને બાજુ પર મૂકીને કોરોના મહામારીની વચ્ચે ખુદ ગંદકી કરી રહી હોવાનો આક્ષેપ આ વિસ્તારની મહિલાઓ કરી રહી છે.
આ સમગ્ર મામલાને લઈને મનપાના અધિકારીઓ પણ આ વિસ્તારમાં આવીને સ્વચ્છતા અંગે તાકીદે પગલાં ભરવાની માંગ સ્વીકારી હતી. પરંતુ ડમ્પિંગ સ્ટેશન બંધ થાય તેને લઈને કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો જેને લઇને આવતી કાલથી આ વિસ્તારની મહિલાઓ આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.