જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. પરિક્રમાનું ધાર્મિક મહત્વ આદિ અનાદિ કાળથી જોવા મળે છે. ધર્મની સાથે પરંપરાગત રીતે પરિક્રમા થાય તે માટે પણ લીલી પરિક્રમા આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. આધુનિક સમયમાં અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળો દ્વારા સેવા કાર્ય અને ભોજન પ્રસાદની સેવાઓ સતત 24 કલાક ચલાવવામાં આવે છે તેમ છતાં પરિક્રમાનું જે રીતે ધાર્મિક મહત્વ આલેખવામાં આવ્યું છે તે જ રીતે ગિરનારની લીલી પરિક્રમાને પરંપરિક રીતે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
કુદરતને ખોળે ભોજન: પારંપરિક ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ત્રણ દિવસ અને બે રાત્રિ એમ પાંચ પડાવોને ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. આ પડાવો દરમિયાન પરિક્રમા માટે આવેલા પ્રત્યેક પરિક્રમાર્થીઓ તેમની સાથે લાવેલા કાચા ભોજનમાંથી કુદરતને ખોળે સ્વયમં ભોજન પ્રસાદ બનાવીને જંગલમાં આરોગવાની એક વિશેષ પરંપરા પરિક્રમા સાથે જોડાયેલી છે. જૂની પેઢીના પરિક્રમાર્થીઓ આજે પણ પરિક્રમા દરમિયાન તેમના સાથી પરિક્રમાર્થીઓ માટે પણ જંગલમાં ભોજન પ્રસાદ બનાવીને પરંપરાગત રીતે પરિક્રમામાં આગળ વધતા હોય છે.
પરિક્રમાર્થીઓએ આપ્યો પ્રતિભાવ: પાછલા 25 વર્ષથી ગિરનારની લીલી પરિક્રમા માટે આવતા મીઠી બહેન પરંપરાગત રીતે પરિક્રમા થાય તે માટે પરિક્રમા વિસ્તારમાં જાતે ભોજન પ્રસાદ બનાવીને કુદરતના ખોળે પરંપરાગત રીતે પરિક્રમાને વિરામ આપતા અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યા છે. તો ઠાકરશીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આજના આધુનિક સમયમાં પરિક્રમા વિસ્તારમાં અન્નક્ષેત્ર અને સેવા કાર્યોમાં ભોજનની સાથે ચા પાણી અને નાસ્તો મળી રહે છે પરંતુ પરંપરાગત રીતે પરિક્રમા પૂર્ણ થાય તે માટે તેઓ આજે પણ પ્રયત્નશીલ છે. માટે જંગલ વિસ્તારમાં તેમની સાથે રહેલી ચીજોમાંથી ભોજન પ્રસાદ બનાવીને પરંપરાગત રીતે પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે.
પરિક્રમા દરમિયાન આજે પણ જૂની પેઢીના લોકો ધાર્મિકની સાથે પરંપરાગત રીતે પરિક્રમા પણ કરતા જોવા મળે છે. પરંતુ આવા પરિક્રમાર્થીઓની સંખ્યા દર વર્ષે ઘટતી જાય છે.