જૂનાગઢ : કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના યુવાન માછીમાર જગદીશ બાંભણિયાનું ગત છઠ્ઠી ઓગસ્ટના દિવસે વહેલી સવારે 12:00 કલાકે કરાચીની જેલમાં મોત થયું હોવાની જાણ ભારત સરકાર ને કરવામાં આવી છે. યુવાન માછીમારનું મોત પાકિસ્તાનની જેલમાં થતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક માછીમાર જગદીશ બાંભણિયાનું મોત કયા કારણોસર થયું છે, તેને લઈને હજુ કોઈ અધિકારીક વિગતો પ્રાપ્ત થઈ નથી. હજુ એક મહિના પૂર્વે જ ઉના તાલુકાના એક માછીમારનું મોત પાકિસ્તાનની જેલમાં થયું હતું, જેની અંતિમ વિધિ 30 દિવસ બાદ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત પાકિસ્તાનની જેલમાંથી ભારતીય માછીમારોના મોતને લઇને માઠા સમાચાર મળી રહ્યા છે.
બોટનું અપહરણ કરીને માછીમારોને જેલમાં ધકેલી દિધા હતા : કોડીનાર તાલુકાના નાનાવાડા ગામનો જગદીશ બાંભણિયા પોરબંદરની બોટ મહા કેદારનાથમાં માછીમારી કરવા માટે ગયો હતો. ત્યારે 18મી ફેબ્રુઆરી 2022ના દિવસે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટનું અપહરણ કરીને તમામ માછીમારોને પાકિસ્તાનની મલિર જેલમાં ધકેલી દીધા હતા. અંદાજે દોઢ વર્ષ બાદ 40 વર્ષના યુવાન માછીમાર જગદીશ બાંભણિયાનુ જેલમાં મોત થયું છે. મહા કેદારનાથ બોટનું રજીસ્ટ્રેશન જીજે 25 એમ એમ 5524 છે, જેના માલિક પોરબંદરના ક્રિષ્નાબેન મોતીવરસ હોવાનું સામે આવ્યું છે.
પાકિસ્તાન જેલમાં ભારતિયનું મોત થયું : વેરાવળ ફિસરીઝ અધિકારી તરીકે કામ કરતા નયનભાઈ મકવાણા એ પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોનું મોત થયું છે તેની પુષ્ટિ કરી છે. પરંતુ મોત કયા કારણોસર થયું છે, તેમજ માછીમારીનું મૃતદેહ માદરે વતન ક્યારે પહોંચશે તે ભારત અને પાકિસ્તાનની બે સરકારો વચ્ચે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સામે આવશે. પરંતુ કોડીનારના નાનાવાડા ગામના યુવાન માછીમારનું મોત થયું છે જેની વિગતો તેમને પ્રાપ્ત થઈ છે.