જૂનાગઢઃ શહેરમાં ઈન્કમ ટેક્સ અને GSTને લઈને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ઈન્કમ ટેક્સ કમિશનર સહિત મોટી સંખ્યામાં ટેક્સ કન્સલ્ટન્ટ્સે હાજરી આપીને ટેક્સ માળખું અને GSTમાં ઊભી થયેલી ગૂંચવણને ઉકેલવા માટે મંથન કર્યું હતું.
શુક્રવારે જૂનાગઢમાં મુખ્ય ઈન્કમ ટેક્સ કમિશનરની ઉપસ્થિતિમાં જૂનાગઢમાં મેગા ટેક્સ કોન્ફરન્સ સેમિનારનું આયોજન ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ તથા ટેક્સ એડવાઈઝર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ મેગા ટેક્સ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના 250 કરતાં વધુ કર વ્યવસાયીઓએ હાજર રહીને ટેક્સ અને GST જેવા જટિલ વિષય પર ઊંડાણપૂર્વકનો અભ્યાસ અને મનોમંથન કર્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી ઈન્કમ ટેક્સ અને GSTને લઈને વેપારીઓ અને કરવેરા નિષ્ણાંતો પણ ખૂબ જ મુંઝવણ અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, જેમા ખાસ કરીને GSTને લઈને કરવેરા નિષ્ણાંતો પણ અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ ગયા છે. જેમાંથી બહાર નીકળવાનો માર્ગ કરવેરા નિષ્ણાંતો પણ શોધતા હતા. આ કારણે શુક્રવારે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રાજ્યના મુખ્ય ઈન્કમટેક્સ કમિશનરોએ પણ હાજરી આપી હતી, તેમને કરવેરા નિષ્ણાંતોને જે મુશ્કેલીઓ પડી રહી છે, તેના પર ચર્ચા વિચારણા કરી હતી. તેમને આ સમસ્યાના સમાધાન માટે સંયુક્ત રીતે મનોમંથન કર્યું હતું.