જૂનાગઢઃ છેલ્લા કેટલાક દિવસથી ડુંગળી પકવતા ખેડૂતો અને ગ્રાહકો ડુંગળીની કિંમતોથી પરેશાન થઈ રહ્યા છે. હવે ડુંગળીની નિકાસકર્તાઓ પણ યોગ્ય સરકારી નીતિઓનો વાંક કાઢી રહ્યા છે. જો લાંબા સમય સુધી આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો માત્ર ખેડૂતવર્ગ જ નહિ પણ વેપારીઓ અને નિકાસકર્તાઓને પણ અસર થશે.
પહેલા ગ્રાહક હવે ખેડૂત, વેપારીઓને મુશ્કેલીઓઃ મહુવાથી ગોંડલ સુધીના પટ્ટામાં ડુંગળી પકવતા ખેડૂતો, નિકાસ કરતા વેપારીઓ હવે બેહદ પરેશાન થઈ રહ્યા છે. દિવાળી પૂર્વે ડુંગળીના બજાર ભાવ 80 રુપિયે પ્રતિ કિલો જોવા મળતા ગ્રાહકો મુશ્કેલીમાં હતા. ત્યાર બાદ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કરતા હવે ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં છે. જૂનાગઢના એગ્રો ઇકોનોમિક અને ખેડૂતોએ ડુંગળીના ભાવને લઈને સરકારની નીતિ અયોગ્ય હોવાના કારણે આ મડાગાંઠનો સામનો કરવો પડવાનું જણાવી રહ્યા છે.
સમસ્યા શું છે?: છેલ્લા એક દસકાથી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ડુંગળીના બજાર ભાવોને લઈને પહેલા ગ્રાહકો અને ત્યારબાદ ખેડૂતો તકલીફ વેઠતા જોવા મળે છે. દિવાળી પૂર્વે રિટેલ બજારમાં ડુંગળીની માંગની સાથે પુરવઠો ન જળવાતા છૂટક બજારમાં બજારભાવો ઐતિહાસિક સ્તરે જોવા મળ્યા હતા. રિટેલ બજારમાં ડુંગળના કિંમતો પર કાબૂ મેળવવા કેન્દ્ર સરકારે ડુંગળી પર નિકાસ બંધી લગાવી છે. આ નિર્ણયથી ડુંગળીની જથ્થાબંધ બજાર ખૂબ નીચે ઉતરી જાય છે જેને કારણે ખેડૂતો અને વેપારીઓને પરેશાની થઈ રહી છે. આમ, નિકાસબંધી પૂર્વે ડુંગળીના બજાર ભાવોથી ગ્રાહકો અને નિકાસબંધી બાદ જથ્થાબંધ બજાર ભાવોને લઈને ખેડૂતો પરેશાન બની રહ્યા છે. આ સમસ્યા છેલ્લા એક દસકાથી જોવા મળે છે, પણ તેનો કોઈ કાયમી ઉકેલ લવાતો નથી.
40થી 60 હજાર વાવેતર ખર્ચ પ્રતિ એક એકરઃ જૂનાગઢના એગ્રો ઈકોનોમિસ્ટ પણ ડુંગળીના બજાર ભાવોને લઈને ચિંતા છે. ચોમાસા દરમિયાન ખેડૂતોને એક એકર ડુંગળીના વાવેતર પાછળ અંદાજિત 50થી 60 હજારનો ખર્ચ થાય છે. ડુંગળી તૈયાર થતાં થોડા સમયમાં નિકાસબંધી લાગુ કરવામાં આવે છે. જેને કારણે જથ્થાબંધ બજાર તળીયે પહોંચી જાય છે. જેથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા રૂપિયા પ્રતિ 20 કિલો ડુંગળીમાં મળી રહ્યા છે.
જૂનાગઢ APMCમાં ભાવઘટાડોઃ દિવાળી પૂર્વે પ્રતિ 20 કિલો ડુંગળીના બજાર ભાવ 1200 થી 1400 રૂપિયાની આસપાસ જોવા મળતા હતા. જેમાં આજે ખૂબ મોટો ઘટાડો થઈને સારી અને ગુણવત્તા યુક્ત ડુંગળીના બજાર ભાવ માત્ર ₹500 પ્રતિ 20 કિલોએ જોવા મળે છે. આ ભાવઘટાડાને લીધે ડુંગળી પકવતા ખેડૂતો આજે ડુંગળીના બોરાઓ સાથે રસ્તા પર ઉતર્યા છે. વિશ્વમાં અને ભારતના પાડોશી દેશો ડુંગળીની આયાત ભારતમાંથી કરે છે ત્યારે નિકાસબંધી નો અમલ શરૂ થતાં બજારમાં ડુંગળીના ભાવો સતત તળિયે જોવા મળે છે.
ખેડૂતોને અન્ય પાક કરતા ડુંગળી ઉત્પાદનમાં વધુ ખર્ચ આવે છે. ખેડૂતોને એક એકર દીઠ ડુંગળી ઉત્પાદન ખર્ચ 40થી 60 હજાર જેટલો આવે છે. તેથી જો અત્યારની પરિસ્થિતિ રહેશે તો ખેડૂતો પાયમાલ થઈ જાય તેવું છે. ખેડૂતો ડુંગળી ત્રણ પેઢી સુધી નહિ પકવે તેવી પ્રતિજ્ઞા લઈ રહ્યા છે... મૂળજી બારસીયા(એગ્રો ઈકોનોમિસ્ટ, જૂનાગઢ)
ખેડૂતોને ડુંગળીની કિંમતોને લઈને બહુ સમસ્યા વેઠવી પડી રહી છે. ચૂંટાયેલા નેતાઓ પોતાને મળતા પગારમાં કેમ ઘટાડો નથી કરતા વારંવાર ખેડૂતોના પાકની કિંમતો ઘટાડવાના કામો કેમ કરે છે. આ કોઈ ન્યાય છે...રમેશ ધડુક(ખેડૂત, જૂનાગઢ)
ગુજરાતમાં ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવતા ડુંગળીના ભાવ બહુ ઘટી ગયા છે. જ્યારે ગુજરાતની સરખામણીમાં બીજા રાજ્યોમાં ડુંગળી ઊંચી કિંમતે વેચાઈ રહી છે. સરકાર અત્યારે ડુંગળી એક્સપોર્ટ કરવા દે તો છેલ્લે તો સરકારને જ ફાયદો છે. સરકારે એક્સપોર્ટ બંધ કરી દીધું છે અને નાફેડ ખરીદી કરે તેમાં હજૂ વાર છે. આ ખબર નથી પડતી કે કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે...ફેનિલ પટેલ(વેપારી, જૂનાગઢ)
- Gujarat Cabinet Meeting: સરકારે ખેડૂતોને કર્યા ખુશ, ડુંગળી બટેકાના વાવેતર પર સરવે કરવા કેબિનેટમાં લેવાયો નિર્ણય
- ગોંડલમાં ખેડૂતોનો વિરોધ યથાવત, રસ્તા પર ડુંગળી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવતા 10 ખેડૂતોની અટકાયત