સંઘ પ્રદેશ દીવના ચક્રતીર્થ બીચ પર સરકારી જમીન પર ગેરકાયદે બનાવવામાં આવેલા રિસોર્ટને દીવ પ્રશાસન દ્વારા ફરી કબ્જે કરી લેવામાં આવ્યો છે. વર્ષ 1999માં દીવ પ્રશાસન દ્વારા ચાર હજાર ચોરસ મીટર જમીન અજયસિંહ ભટ્ટીને 10 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. આ લીઝ વર્ષ 2009માં પૂર્ણ થઇ હતી ત્યાર ફરી એક વખત લીઝને રીન્યુ કરવામાં આવી હતી. જે 28 જુન 2019ના રોજ પૂર્ણ થતાં દીવ પ્રશાસન દ્વારા ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ, લીઝ ધારક દ્વારા ફરી રીન્યુ કરાવવાની માગ કરી હતી.
શહેરના ચક્રતીર્થ બીચ પર દીવના વિકાસને લઇને મહત્વના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે .જેના કારણે ફરી લીઝની માગણીનો અસ્વીકાર કરીને દીવ કલેક્ટર હેમંત કુમારે અધિકારીઓ સાથે રહીને સરકારી જમીન પર દીવ પ્રશાસને કબ્જો કર્યો છે. જેને લઇને હવે ચક્રતીર્થ બીચ પર વિકાસના કામો કરવામાં આવશે.