સમગ્ર વિશ્વ આજે હેરિટેજ દિવસ મનાવી રહ્યું છે, ત્યારે નવાબોની સાથે સાથે નરસૈયાની નગરી તરીકે ધબકતુ અને સદીઓથી જીવંત હેરીટેઝ શહેર એટલે જૂનાગઢ. જૂનાગઢમાં નવાબી કાળથી શરૂ કરીને વિશ્વના અનેક કલા સ્થાપત્ય અને સંસ્કૃતિને સમાવીને હાલમાં પણ અડીખમ જોવા મળી રહ્યું છે. સંત અને સુરાની ભુમી એટલે જ જૂનાગઢ. આવી જ સામાન્ય ઓળખ આજ દિવસ સુધી જૂનાગઢને મળી છે, પરંતુ બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો જૂનાગઢ શહેર ધાર્મિકતાની સાથે ઐતિહાસિક નગરી તરીકે પણ નામના મેળવી ચૂક્યું છે.
હિમાલયનો દાદો ગીરનાર અને શહેરમાં આવેલી પૌરાણિક ઇમારતોના એક-એક પથ્થર નીચે ધરબાયેલો ઇતિહાસ જૂનાગઢ શહેરની ઓળખમાં અનેકગણો વધારો કરી રહ્યું છે. સાથે જ અડીખમ ઉભેલી ઇમારતો જે તે સમયના રાજા રજવાડાઓની પ્રજા પ્રત્યેની વફાદારી અને તેમના પ્રેમના પ્રતીક સમું ભાષી રહ્યું છે.
આ ઉપરાંત નવાબ દ્વારા બનાવવામાં આવેલા મકબરા આજે પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. સરદાર પટેલ દરવાજા સમાન મજેવડી અને ધારાગઢ દરવાજો કલા અને સ્થાપત્યનો બેનમૂન નજારો પૂરો પાડે છે. તો બીજી બાજુ ઉપરકોટનો કિલ્લો અને તેમાં આવેલા સ્થાપત્યો આજે પણ તેમની બનાવટ અને કોતરણીને લઈને સૌ કોઈને વિચારતા કરી મુકે તેવા છે. નવઘણ કૂવો અને અડીકડી વાવ આજે પણ સંશોધનકારો માટે કોયડા સમાન જોવા મળી રહ્યાં છે.
નવાબી શહેર તરીકે ખ્યાતનામ થયેલા અને બાદમાં નરસૈયાની નગરી તરીકે જાણીતા બનેલા જૂનાગઢ શહેરની ગીચતા પણ કલા અને સ્થાપત્યની એક આગવી ઓળખ પુરી પાડે છે. ત્યારે આજે વિશ્વ હેરિટેજ દિવસે જૂનાગઢમાં આવેલા સ્થાપત્યો અડીખમ અને મૌન ધારણ કરીને આજે પણ જોવા મળી રહ્યાં છે.