બનાસકાંઠા: જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેના લીધે રોષે ભરાયેલા હજારો લોકો રસ્તા પર ઉતરી ગયા હતા. તેઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી હતી. ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન રેલી યોજાઈ અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ હતી.
3 દિવસની બેઠકમાં કેબિનેટનો નિર્ણય: ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો બનાસકાંઠા જિલ્લો એ 14 તાલુકા ધરાવતો જિલ્લો હતો. જો કે, જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકો પોતાના વહીવટી કામોને લઈ અનેક અગવડતા ભોગવી રહ્યા હતા. તેને લઈને પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી એક માંગ હતી કે, સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો એક જિલ્લો બનાવવામાં આવે. જો કે, સરકાર દ્વારા હવે પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ સ્વીકારતા 3 દિવસ અગાઉ કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો છે અને આ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરાયો છે.
ધાનેરાના લોકોએ નોંધાવ્યો વિરોધ: 8 તાલુકાઓમાં ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સામેલ કરી દેતા ધાનેરા તાલુકાના લોકો તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. મહત્વની વાત છે કે, 3 દિવસ અગાઉ સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો અને ત્યારથી જ ધાનેરા અને કાંકરેજમાં વિરોધ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ધાનેરામાં ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેને લઈ આજે વહેલી સવારથી ધાનેરાના બજારો સદંતર બંધ જોવા મળ્યા હતા. જેમાં ધાનેરાના વેપારીઓએ ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું હતું.
ધાનેરા પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું: ધાનેરાના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ધાનેરાના આગેવાનો સાથે ધાનેરાના રસ્તાઓ ઉપર ઉતર્યા હતા. રેલી સ્વરૂપે હજારો લોકોએ ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં લોકોએ ધાનેરાને બનાસકાંઠામા જ રાખવાની માંગ કરી છે. જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, એક તરફ ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે હજારો લોકો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સહિતના આગેવાનો તેમજ અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય તો મેદાને જોવા મળ્યા પરંતુ ભાજપમાંથી ચૂંટણી લડેલા ભાજપના નેતાઓ આ વિરોધના મેદાનમાં જોવા ન મળતા તે મુદ્દો પણ ક્યાંક ચર્ચાનો વિષય બનેલો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: