- શાહી સ્નાન અને રવેડીમા ભાગ લેતા અખાડાઓના ઇષ્ટદેવ છે અલગ અલગ
- શા માટે ભવનાથ તળેટીમાં આવેલા અખાડાઓમાં શિવની પૂજા થતી નથી
- રવેડી અને શાહી સ્નાનમાં ભાગ લેનારા એક પણ અખાડાના ઇષ્ટદેવ તરીકે ભોળાનાથની પૂજા થતી નથી
- ગુરૂ દત્તાત્રેય, ગણપતિ, શ્રી ચંદ્રદેવ, મા ગાયત્રીને અખાડાઓના ઇષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે
જૂનાગઢઃ ભવનાથમાં મહાશિવરાત્રીનાં મેળામાં શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ 5 અખાડાઓ સાથે મળીને રવેડી કાઢે છે. રવેડીમાં 5 અખાડાના નાગા સંન્યાસીઓ ભાગ લેતા હોય છે. ભવનાથમાં આદિ-અનાદિ કાળથી યોજાતા આવતા શિવરાત્રી મહોત્સવમાં દરેક અખાડા ઇષ્ટદેવ અલગ-અલગ જોવા મળે છે, પરંતુ એક પણ અખાડામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવતી નથી. ભવનાથ તળેટીના અખાડા જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે, ત્યારથી પૃથ્વી પર હિન્દુ સનાતન ધર્મ સ્થાપવામાં આવ્યો છે. હિન્દુ ધર્મની સ્થાપના અને તેના વિસ્તાર માટે શિવને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, ત્યારથી શિવના પંથ સમાન અખાડાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી. હાલ ભવનાથ તળેટીમાં શિવરાત્રીનો મેળો યોજાઇ રહયો છે, ત્યારે આ મેળામાં ભવનાથ સ્થિત ઉદાસીન પંચાયતી બડા અખાડા, પંચ દશનામ આહવાન અખાડા, પંચ અગ્નિ અખાડા અને પંચ દસનામ જૂના અખાડાનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે.
આ પણ વાંચોઃ અલખને ઓટલે ધુણી ધખાવતી શક્તિ સમાન મહિલા સાધુઓ
ભવનાથ મેળામાં 4 અખાડાઓ આજે પણ ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે
ભવનાથ તળેટીના અખાડા ઉદાસીન પંચાયતી બડા અખાડાના ઇષ્ટદેવ તરીકે ચંદ્ર ભગવાન છે, જ્યારે પંચદશનામી આહવાન અખાડાના ઇષ્ટદેવ તરીકે ગણપતિની પૂજા થાય છે. પંચ અગ્નિની અખાડાનાં ઇષ્ટ દેવ તરીકે મા ગાયત્રીને સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે પંચ દસનામ જૂના અખાડાનાં ઇષ્ટ દેવ તરીકે ગુરૂ દત્તાત્રેયની ચરણપાદુકાની પૂજા કરવામાં આવે છે. ભવનાથ મેળામાં 4 અખાડાઓ આજે પણ ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. ભવનાથ તળેટીના અખાડા ઉદાસીન પંચાયતી બડા અખાડા ભગવાન શ્રી ચંદ્રની પૂજા કરે છે. ભગવાન શ્રી ચંદ્ર દ્વારા તેમની પાસે જે કઈ પણ હતું તેને દાન કરવામાં માનતા હતા. જેને કારણે તેમના અખાડાનું નામ ઉદાસીન અખાડા રાખવામાં આવ્યું છે, જ્યારે પંચ દસનામ આહવાન અખાડા ભગવાન ગણપતિની પૂજા કરે છે. પ્રાચીન સમયમાં અખાડાઓ પર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા આક્રમણોને કારણે અખાડાના સેવકો દ્વારા ભગવાન ગણપતિનું આહવાન કરવામાં આવ્યું હતું, ત્યારે ગણપતિએ સ્વયં પ્રગટ થઈને સેવકોનુ રક્ષણ કર્યું હતું. જેથી તેમના સેવકો ગણપતિને ઇષ્ટદેવ માની ગણપતિની પૂજા કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ આગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક
બ્રહ્મચર્યની પરંપરાને માનતા પંચ અગ્નિ અખાડાના સેવકો બ્રાહ્મણો હોય છે
ભવનાથ તળેટીના અખાડાપંચ અગ્નિ અખાડામાં ગાયત્રીને તેમના ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે. બ્રહ્મચર્યની પરંપરાને માનતા પંચ અગ્નિ અખાડાના સેવકો બ્રાહ્મણો હોય છે. એક માન્યતા મુજબ બ્રાહ્મણો બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે, માટે તેમના ઈષ્ટદેવ તરીકે મા ગાયત્રીને સ્થાપિત કરવામાં આવ્યાં છે. પંચ દસનામ જૂના અખાડાના ઇષ્ટદેવ તરીકે આદિગુરૂ દત્તાત્રેયને પૂજવામાં આવે છે. આ અખાડામાં ગુરૂ દત્તાત્રેયની ચરણપાદુકાના પૂજનની વિશેષ ધાર્મિક માન્યતા છે. આ ઉપરાંત ગુરૂ દત્તાત્રેય શિવના સૈનિક હોવાને નાતે પંચ દસનામ જૂના અખાડાના સેવકો અને નાગા સંન્યાસીઓ તેમના સમગ્ર દેહ પર ભભુતી લગાવીને 5 દિવસ ભવનાથ તળેટીમાં શિવની આરાધના કરતા જોવા મળે છે.