જૂનાગઢ : નવરાત્રિના નવ દિવસો દરમિયાન ગરબાનું ખૂબ ધાર્મિક મહત્વ છે. સનાતન ધર્મમાં ચાર નવરાત્રિનો વિશેષ ઉલ્લેખ થયો છે તે મુજબ ચૈત્રી નવરાત્રીમાં શક્તિ સ્વરૂપે માં જગદંબાની ધાર્મિક રીતે પૂજાથી નવરાત્રિની ઉજવણી થતી હોય છે, પરંતુ શારદીય નવરાત્રીમાં માતાની આરાધના, પૂજાની સાથે ગરબા કરવાની પણ વિશેષ પરંપરા આદિ અનાદિ કાળથી ચાલતી આવી છે. આજથી 70 વર્ષ કરતાં પણ પૂર્વેથી નવાબી કાળના સમયમાં પણ જૂનાગઢની નાગર જ્ઞાતિની મહિલા અને પુરુષો દ્વારા બેઠા ગરબા કરીને નવરાત્રિની એક વિશેષ અને અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવતી હતી, જે આજે પણ જોવા મળે છે.
ક્યારે થઈ બેઠા ગરબાની પરંપરા : નવાબના સમયથી નાગરી જ્ઞાતિમાં ઘર અથવા મંદિરમાં બેઠા ગરબાનું આયોજન કરવાની પરંપરા શરૂ થઈ હતી. જગદંબાની પૂજા કર્યા બાદ મહિલાઓ સાંજના સમયે અને પુરુષો રાત્રિના સમયે બેઠા ગરબા કરીને નવરાત્રિની ધાર્મિક ઉજવણી કરવામાં આવતી હતી. વર્ષો પૂર્વે ગરબાના આયોજનમાં નાગરી જ્ઞાતિની મહિલા અને પુરુષો તેના કામની વ્યસ્તતાને કારણે જઈ શકતા ન હતા, જેને કારણે ઘરમાં બેઠા ગરબા કરવાની આ પરંપરા શરૂ થઈ હતી.
આવનારી નવી પેઢીમાં નાગરી નાતના સંસ્કાર, સંસ્કૃતિ, વારસો અને વિરાસત પહોંચે તે માટે આજે પણ નવરાત્રીના નવ દિવસો દરમિયાન બેઠા ગરબાનું આયોજન થાય છે. જેમાં સૌ કોઈ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લેતા હોય છે. - હેમાબેન, (ભક્ત)
બેઠા ગરબાના પ્રકાર : બેઠા ગરબા પ્રાચીન અને જૂની ધાર્મિક પરંપરા મુજબ ગાવામાં આવે છે. જેમાં હીંચ અને હમચી જેવા ગરબા તેમજ 13 કવનના ગરબા ખૂબ જ પ્રસિદ્ધ અને લોકમુખે ચર્ચાતા ગરબાના પ્રકારો છે. જે કલાપી અને દયા કલ્યાણ દ્વારા યોજવામાં આવ્યા હતા. આ બેઠા ગરબામાં સાદા વાદ્યો ઢોલક અને જાજ વગાડવામાં આવે છે. જો કે ઇલેક્ટ્રોનિક્સ વાદ્યો આજે પણ બેઠા ગરબામાં વગાડવામાં આવતા નથી. નવરાત્રિના નવ દિવસો દરમિયાન નાગર સદગ્રહસ્થો માતાજીના વિવિધ સ્વરૂપ જેવા કે સૌમ્ય, શાંત, રુદ્ર, શણગાર, થાળ અને શયનના ગરબા કરે છે અને આઠમના દિવસે માફીનો મુજરો પણ બેઠા ગરબામાં ગાવાની વિશેષ પરંપરા જોવા મળે છે.
નાગરી નાત કલાપ્રેમી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. નાગર સમાજના પ્રત્યેક વ્યક્તિમાં કોઈને કોઈ કલા છુપાયેલી હોય છે. સંગીત નાગર વ્યક્તિના લોહીમાં વહે છે. ત્યારે સંગીત અને સંસ્કૃતિ સમાન બેઠા ગરબા નાગર સમાજની એક વિશેષ પરંપરા અને ઓળખ બની રહી છે. જે આજે અર્વાચીન સમયમાં પણ પ્રજ્વલિત થતી જોવા મળે છે. - વસંત જોશીપુરા, (ભક્ત)
13 કવનના ગરબાનું મહત્વ : નવરાત્રી દરમિયાન ચંડીપાઠનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે. ચંડી પાઠમાં માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. સમગ્ર ચંડી પાઠ સંસ્કૃત ભાષામાં હોવાને કારણે તે જે તે સમયે લોકભોગ્ય બન્યા ન હતા. પરંતુ માંગરોળના અનંતજી દિવાન દ્વારા ગુજરાતીમાં તેનું ગરબાકરણ કર્યું જેને તેર કવનના ગરબા તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ માઈ ભક્ત 13 કવનના ગરબા કરે ત્યારે તે માતાજીની સંપૂર્ણ સ્તુતિ કરવાનો શ્રેય પણ પ્રાપ્ત કરે છે. આસો મહિનાના બીજના દિવસે માતાજીની રવાડી નીકળ્યા બાદ કુવારકા અને બટુકની પૂજા પણ કરવાનું વિશેષ મહત્વ બેઠા ગરબા દરમિયાન જોવા મળે છે.