જૂનાગઢ: ગત રાત્રિના સમયે જૂનાગઢના મજેવડી દરવાજા વિસ્તાર ધાર્મિક સ્થાનને દૂર કરવાને લઈને જે વિવાદ ઉભો થયો હતો. કેટલાક ઉશ્કેરાઈ ગયેલા લોકોના ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કરીને બાઇકને સળગાવી નાખ્યું હતું. સમગ્ર ઘટનાને જૂનાગઢનો મુસ્લિમ સમાજ વખોડી છે અને સાથે સાથે તમામ આરોપીઓને છોડવામાં ન આવે અને જે લોકો નિર્દોષ છે તેમને તાકીદે છોડવામાં આવે તેવી માંગ કરી છે.
શું બની હતી ઘટના?: ગત રાત્રિના સમયે જૂનાગઢ શહેરના મજેવડી દરવાજા વિસ્તારમાં ધાર્મિક સ્થાનને દૂર કરવાની લઈને પોલીસ અને કેટલાક ઉશ્કેરાય ગયેલા લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. તોફાની તત્વોએ પોલીસની કાર સહિત કેટલાક વાહનોમાં નુકસાન કર્યું હતું તેમજ પોલીસ કર્મચારીની બાઇકને આગને હવાલે કરીને ધાંધલ ધમાલ મચાવી હતી. જેના પર કાબુ કરવા માટે પોલીસે પ્રથમ લાઠીચાર્જ અને ત્યારબાદ ટીયર ગેસના સેલ છોડીને એકઠા થયેલા ટોળાને વેરવિખેર કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
'પાછલા ઘણા વર્ષથી મજેવડી દરવાજા સ્થિત દરગાહ અસ્તિત્વ ધરાવે છે. આઝાદી પૂર્વે આ દરગાહનું નિર્માણ થયું હતું. ચોક્કસપણે દરગાહ પર જે બાંધકામ કરવામાં આવ્યું છે તે દબાણની વ્યાખ્યામાં આવતું હશે પરંતુ દરગાહની અંદર જે મજાર છે તે આઝાદી પૂર્વેની છે. કાયદાકીય રીતે તેનો કોમી સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉકેલ લાવવો પણ આટલો જ જરૂરી છે.' -સોહિલ સિદ્દીકી, મુસ્લિમ સમાજ અગ્રણી
શાંતિ સમિતિની બેઠક: મુસ્લિમ સમાજના યુવાન અગ્રણી સોહેલ સિદ્દીકીએ આજની ઘટના બાદ શાંતિ સમિતિની બેઠક બોલાવવી જોઈએ તેવી માંગ કરી છે. વધુમાં મુસ્લિમ સમાજ જૂનાગઢની શાંતિને ક્યારેય ડહોળવા નહીં દે તેઓ ભરોસો પણ આપ્યો છે. વધુમાં તેમને જણાવ્યું છે કે ખિજનીશા પીરની દરગાહ નવાબી સમયમાં બની હશે. જે રીતે હિન્દુ સમાજમાં સંત પુરુષોને સમાધિ અપાય છે તે જ રીતે લઘુમતી સમાજમાં ધર્મગુરુઓને કબરમાં દફન કરાય છે. અહીં ખીજનીશા પીરના અસ્થિઓને દફન કરીને તેના પર મજાર બનાવવામાં આવી છે. આ ઉપરાંત શાંતિને પલિતો ચિપનારા તમામ વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે.