જૂનાગઢ : ગિરનાર પર્વત પર કમંડળ કુંડ ખાતે શનિવારથી મોરારી બાપુ દ્વારા રામચરિત માનસ કથાનો શુભ આરંભ કરવામાં આવશે. મોરારી બાપુ દ્વારા 849મી કથા ગિરનાર પર્વત પર થવાની છે, ત્યારે કથાના પ્રારંભ પૂર્વે રામચરિત માનસ પોથીનો ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ વિધિવત રીતે પોથીયાત્રાનુ પ્રસ્થાન કથા સ્થળ કમંડળ કુંડ તરફ થયું હતું. જેમાં મોરારી બાપુના સેવકો અને રામ ભક્તો હાજર રહ્યા હતા.
મોરારી બાપુ દ્વારા 849મી કથા અને ગિરનાર પર્વત પર પ્રથમ રામકથાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં મોરારી બાપુ દ્વારા રામચરિત માનસનું પઠન કરવામાં આવશે. જેનું શ્રવણ ઘરે બેઠા રામ ભક્તો ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ મોરારી બાપુએ તુલસી શ્યામ નજીકના પર્વત પર પણ રામકથાનું આયોજન કર્યું હતું. જેની પૂર્ણાહુતિ બાદ હવે ગિરનાર પર્વત પર શનિવારના રોજ એટલે કે, પ્રથમ નોરતે રામકથા શરૂ થવા જઈ રહ્યા છે.