જૂનાગઢ : શહેરમાં આજે ચોમાસાનો પ્રથમ વરસાદ વરસ્યો હતો, બપોરના 2થી 4 વાગ્યા સુધી વરસેલા વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પર એક ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બે કલાક સુધી ધોધમાર વરસાદ પડતા જુનાગઢ શહેર પાણી પાણી થઈ ગયું હતું. આગામી દિવસોમાં હજુ પણ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સોરઠમાં મેેઘરાજાએ સારી એન્ટ્રી કરતા લોકો સહિત ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે.
કેટલો વરસાદ વરસ્યો : છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરનું વાતાવરણ વરસાદી બની રહ્યું હતું, પરંતુ વરસાદને લઈને કોઈ નોંધપાત્ર અહેવાલો મળતા ન હતા, ત્યારે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે શહેરના મોટા ભાગના માર્ગો પર વરસાદી પાણીનો જમાવડો થતો જોવા મળતો હતો. જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા ત્રણ ઇંચ, વિસાવદરમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદના અહેવાલો મળી રહ્યા છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના એકમાત્ર તાલાળા તાલુકાને બાદ કરતા અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સવારના છથી લઈને બપોરના ચાર સુધી તાલાલા શહેર અને તાલુકામાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી : બિપરજોય વાવાઝોડાના સમયે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં લગભગ થોડે ઘણે અંશે વરસાદ થયો હતો, ત્યારબાદ વરસાદે એકદમ વિરામ લીધો હતો, ત્યારે પંદર દિવસના આ સમય દરમિયાન ફરી એક વખત ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદના ઉજળા સંજોગો સર્જાઈ રહ્યા છે. જેને કારણે ખેડૂતોમાં હવે ખુશી જોવા મળી રહી છે. વાવાઝોડા બાદ પડેલા વરસાદને કારણે ખેડૂતોએ વાવણી કાર્ય કરવાને લઈને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી, પરંતુ આજથી જે પ્રકારે ચોમાસાની નવી સિસ્ટમ આકાર લઈ રહી છે, ત્યારે આગામી બે દિવસ દરમિયાન વાવણી જોગ વરસાદ થઈ જશે તો આગામી ત્રણ ચાર દિવસમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ચોમાસાનું વાવણી કાર્ય શરૂ કરી દેશે. જે અત્યાર સુધી જોવા મળતું ન હતું.
વાતાવરણમાં પ્રસરી ઠંડક : જૂનાગઢ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરાવી દીધી છે. વાવાઝોડા બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાને લઈને રાહ જોવાતી હતી, પરંતુ આજે પડેલા વરસાદને કારણે શહેરમાં ચોમાસાના ઠંડક ભર્યા માહોલનું સર્જન થયું છે. બે કલાક પડેલા અતિભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના રાજમાર્ગો પર પાણી ભરાયેલા જોવા મળતા હતા. જેને કારણે વાહનચાલકોને થોડે ઘણે અંશે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો, પરંતુ જ્યારે ચોમાસાની ચાતક નજરે રાહ જોવાતી હોય, ત્યારે વાહનચાલકો પણ જાણે કે મુશ્કેલીને વધાવતા હોય તે પ્રકારે ચોમાસાના પ્રથમ વરસાદને માણતા જોવા મળ્યા હતા.