ગિરનારની પ્રસિદ્ધ લીલી પરિક્રમા આગામી કારતક સુદ અગિયારસ અને શુક્રવારથી શરૂ થવા જઇ રહી છે, ત્યારે 'મહા' નામના સંભવિત સંકટ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે 8 તારીખથી પરિક્રમા શરૂ થઇ રહી છે અને તે જ સમય દરમિયાન વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, ત્યારે પરિક્રમામાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોને વિનંતી કરવામાં આવી છે.
આ લીલી પરિક્રમાનું ભાવિક ભક્તોમાં અનેરું મહત્વ જોવા મળે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આ ત્રણ દિવસની પરિક્રમામાં ભાગ લે છે, ત્યારે પરિક્રમાનું ધાર્મિક મહત્વ જળવાઈ રહે તેમજ વહીવટી તંત્રને તમામ વ્યવસ્થાઓ માટે કોઈ મુશ્કેલી ના પડે તેને લઈને અગિયારસના દિવસે ધાર્મિક પરંપરા મુજબ પરિક્રમાની શરૂઆત યાત્રિકો દ્વારા કરવામાં આવે તેવી વિનંતી સાધુ સમાજ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક પર પ્રતિબંધ કરવામાં આવ્યું છે. જેથી યાત્રિકો આ પ્લાસ્ટિકને પરિક્રમા પર ના આવે તેવી વિનંતી પણ કરવામાં આવી છે. જંગલને પ્રદુષણ મુક્ત કરવાની આપણા સૌની ફરજ છે ત્યારે જો કોઈ પણ પરિક્રમાર્થી પ્લાસ્ટિક લાવશે તો તેના વિરુદ્ધ દંડની આકરી કાર્યવાહી કરવાની વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.