જૂનાગઢઃ ભવનાથની ગિરિ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ મેળામાં ધર્મની સાથે લોક સંસ્કૃતિ અને લોકકલાઓ પણ ઉજાગર થતી જોવા મળી રહી છે.
ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે આ મેળામાં હવે ધર્મના રંગની સાથે ધીમે-ધીમે પ્રાચીન એવી સૌરાષ્ટ્રની કેટલીક લોકકલાનો રંગ પણ ઉમેરાતો જાય છે. ત્યારે ધર્મના રંગમાં લોક કલાનો રંગ ભળતા મહાશિવરાત્રીનો મેળો ખૂબ જ રોમાંચ ઉત્પન્ન કરી રહ્યો છે. તો સાથે-સાથે વિસરાતી જતી લોકકલાને પણ ફરીથી માનસ પટલ પર અંકિત કરવા માટેનું એક પ્રબળ માધ્યમ બની રહ્યો છે.
આવી જ પ્રાચીન અને લોકકલા એટલે રામામંડળ સૌરાષ્ટ્રમાં રામામંડળ ખૂબ જ ચર્ચાતું અને જેમાં સ્થાનિક કલાકારો ભાગ લઈને કલાને ઉજાગર કરતા હોય તેઓ એક સાંસ્કૃતિક કાર્યક્રમ પરંતુ કાળક્રમે રામામંડળ જેવી પ્રાચીન અને સાંસ્કૃતિક કલા સૌરાષ્ટ્રમાંથી લુપ્તપ્રાય થવાને આરે પહોંચી ગઈ છે. ત્યારે ભવનાથની ગિરિ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાના આયોજન દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝાલોરા ગામના ઉતારા મંડળના લોકકલા સમૂહ દ્વારા રામામંડળ તેમના શબ્દોમાં અને તેમની અભિવ્યક્તિમાં રજૂ કરીને વિસરાતી જતી સૌરાષ્ટ્રની આ પ્રબળ લોકકલાને ફરી એક વખત માનસ પટલ પર પ્રસ્થાપિત કરવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.