લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમાં ફરી એકવાર ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે. અગાઉના મગફળી કાંડના આરોપીઓ સામે હજી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી ત્યાં કચ્છના ગાંધીધામમાં ફરી મગફળીનું કૌભાંડ સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ ફરી એક વખત મગફળી કૌભાંડ સામે આવી રહ્યું છે આ વખતે કચ્છના ગાંધીધામને કૌભાંડીઓએ બાનમાં લીધુ છે. વર્ષ 2017માં ખરીદ કરાયેલી મગફળીમાં આજે કોંગ્રેસ કિસાન સેલના કાર્યકર્તાઓ દ્વારા તપાસ કરવામાં આવતા મગફળીમાં માટી અને પથ્થરની ભેળસેળ કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતુ.
આ બાબતે વિસાવદરના કોંગ્રેસના ઘારાસભ્ય હર્ષદ રિબડીયાએ સરકાર પર સીધા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યા છે કે સમગ્ર કૌભાંડ સરકારની જાણમાં હતુ, છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા, રાજ્ય સરકાર કૌભાંડીઓને છુટો દોર આપી રહી હોય તેમ લાગી રહ્યું છે. જગતના તાતને લુંટવામાં આવી રહ્યો છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ કિસાન સેલ આ મુદ્દે ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી પણ આપી હતી.