જૂનાગઢ : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુંમર આજે એક દિવસની જૂનાગઢની મુલાકાતે હતાં. જિલ્લા કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખને સત્કારવાનો કાર્યક્રમ હતો જેમાં જેની ઠુંમરે હાજરી આપીને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને પણ નિવેદન આપ્યું છે.
વિધાનસભા ચૂંટણીઓમાં હાર અંગે નિવેદન : તાજેતરમાં જ ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને જે રીતે હારનો સામનો કરવો પડ્યો છે તેને લઈને પણ જેની ઠુમરે તેમનો પ્રતિભાવ આપ્યો હતો. 3 રાજ્યોમાં કોંગ્રેસે ચૂંટણી લડવાને લઈને એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ મતદાનના દિવસે ભાજપે મતદારોને ભ્રમિત કરીને જે રીતે સત્તા હાંસલ કરી છે તેને લઈને કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં વિપક્ષમાં બેસીને તેમની સરકાર વખતે થયેલા કામો અને લોક ઉપયોગી યોજનાઓને લઈને સતત લડત કરતી જોવા મળશે.
લોકસભામાં મહિલા અનામતના હિમાયતી : જૂનાગઢ આવેલા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનીબેન ઠુમરે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 33 ટકા મહિલા અનામતની અમલવારી થાય તેના તેઓ હિમાયતી છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ કરતા કોંગ્રેસે સૌથી વધારે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.
ભાજપ માત્ર મહિલા અનામતને લઈને કાયદો બનાવી અને મોટી મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે ચૂંટણીના સમયમાં મહિલાઓને ટિકિટ આપવાની વાત આવે ત્યારે તે કોઈ ધાર્મિક મુદ્દાને લઈને મતદારોને ભ્રમિત કરીને લોકોના મત મેળવી રહી છે, 3 રાજ્યમાં કોંગેસના પરાજયનો સ્વીકાર કરીને આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકોના પ્રશ્નો માટે વધુ આક્રમકતાથી સમગ્ર દેશમાં લડતી જોવા મળશે, આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસની જે ભૂલો થઈ હશે તેને સુધારીને નવેસરથી લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ કટિબદ્ધ બની રહી છે, જેમાં મહિલાઓનો પણ ખૂબ મોટો ફાળો આગામી દિવસોમાં ઉમેદવારોથી લઈને સંગઠન અને મતદારોના રૂપમાં કોંગ્રેસને મળતો જોવા મળશે...જેની ઠુંમર ( ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ )
પક્ષનો આદેશ હશે તો લડીશ ચૂંટણી : જૂનાગઢ આવેલા જેનીબેન ઠુમરે પોતે લોકસભાની ચૂંટણી લડશે કે કેમ તેને લઈને પણ તેમનો સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જેની ઠુંમર કોંગ્રેસની સૈનિક છે. પક્ષ આદેશ કરશે તો તેઓ લોકસભાની ચૂંટણી લડતા અચકાશે નહીં. લોકસભાની ચૂંટણી દરમિયાન તેમને પક્ષના સત્તાવાર ઉમેદવાર ન બનાવવામાં આવે અને પક્ષ જે કંઈ પણ કામગીરી મહિલા મોરચાના પ્રમુખ તરીકે તેમને સોપશે તેને ઉપાડી લઈને રાજ્યમાં આવેલી લોકસભાની 26 સીટો પર કોંગ્રેસનો ઉમેદવાર વિજયી બને તે માટે સંગઠનાત્મક કામો અને ચૂંટણી પ્રચાર પણ તેઓ કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.