જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં ધોળે દિવસે દીપડો આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં હિંસક પ્રાણી સમાન દિપડો અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ખેતરમાં કામ કરતા મજૂરો, યુનિવર્સીટીના કર્મચારી અને અધિકારીઓ તેમજ અહીં આવતા પ્રવાસીઓ માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં આવેલુ પરી તળાવ દીપડાના કાયમી રહેઠાણ તરીકે બહાર આવી રહ્યુ છે. આ વિસ્તારમાં દીપડા તેમનો નિવાસ્થાન બનાવીને રહ્યા છે.જેને દૂર ખસેડવામાં યુનિવર્સિટી અને વન વિભાગને હજુ સુધી સફળતા મળી નથી.
યુનિવર્સીટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ કરે છે. પ્રેક્ટીકલ વર્ક માટે યુનિવર્સીટી કેમ્પસમાં આવેલા ખેતરોમાં તેમને જવુ પડે છે. ત્યારે આજ વિસ્તારમાં દીપડાના આંટાફેરા વિદ્યાર્થીઓની સાથે ખેતરમાં કામ કરતા મજૂરો અને યુનિવર્સિટીના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ અહીં આવતા પ્રવાસીઓ માટે ઘાતક બની શકે છે.
હિંસક પ્રાણી દીપડો છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આ વિસ્તારમાં આવેલા પરી તળાવને તેમનુ કાયમી નિવાસ્થાન બનાવીને રહે છે વખતો વખત આ દિપડાને પકડી ને વનવિભાગે અન્ય જગ્યા પર છોડી મૂક્યો છે.
પરંતુ પરી તળાવ વિસ્તારને તેમનુ નિવાસ સ્થાન બનાવી ચૂકેલો દીપડો ફરી એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં જ આવી જાય છે.જેને લઇને હવે અહીં આવતા લોકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો થયો છે.