જૂનાગઢ: ખેડૂતોના વિવિધ મુદ્દે પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. પાક વીમો, જમીન રી સર્વે, ખાતર, વીજળી, સિંચાઈનું પાણી અને ખેડૂતોને સ્પર્શતા કાળા કાનુન જેવા મુદ્દાઓને લઈને સરકારને ઘેરી હતી.
ખેડૂતોની આવકમાં ઘટાડો: કિશન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે ખેડૂત પાક વીમાને લઈને ખૂબ સંઘર્ષ કર્યો હોવા છતાં આજે પણ પાક વીમાની રકમ ખેડૂતોને આજે પણ મળતી નથી. કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના સમયમાં ખેડૂતોને રાજ્ય સરકારે સહાય આપવાના ઠાલા વચનો આપ્યા છે. પરંતુ હજુ સુધી સહાય ખેડૂતો સુધી પહોંચી નથી. જેને કારણે ખેડૂતોની આવક બમણી થવાની જગ્યા પર જાવકમાં ત્રણ ગણો વધારો થયો છે.
'રાજ્યની સરકારે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે યોજનાઓ બનાવી છે તેવો ખૂબ મોટો પ્રચાર વારંવાર કર્યો છે. તેમ છતાં આજે પણ ખેડૂત ઉનાળા દરમિયાન સિંચાઈના પાણીને લઈને તરસતો જોવા મળે છે. સૌની યોજના થકી જળાશયોને ભરવામાં આવશે. પરંતુ સૌની યોજના તળે જળાશયો પાણી વગરના ખાલી જોવા મળે છે. ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી ને બીજી તરફ કિસાન સૂર્યોદય યોજના જેવી કેન્દ્ર સરકારની યોજના આજે ખેડૂતોને દિવસે વીજળી આપવાની જગ્યા પર તારા દેખાડી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ પ્રકારની ખોટી નીતિને કારણે રાજ્યનો ખેડૂત ખૂબ જ પરેશાન જોવા મળે છે.'- પાલ આંબલિયા
સરકારની ખેડૂત વિરોધી નીતિ: પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી જમીન સર્વે અને ત્યારબાદ રી સર્વેમાં પણ પુષ્કળ પ્રમાણમાં ગોટાળો થઈ રહ્યા છે. સરકારે જે એજન્સી પાસે જમીન સર્વે કરાવ્યો તેમાં મોટાભાગના ખેડૂતોની જમીનમાં ખૂબ મોટો બદલાવ જોવા મળ્યો. જેને કારણે સરકારને અઢળક ફરિયાદો મળતા ફરીથી જમીન સર્વે કરવાની જરૂર પડી. પરંતુ આ દરમિયાન પણ યોગ્ય માત્રામાં એજન્સી દ્વારા જમીન સર્વે નહીં થતા ખેડૂતો આજે તેની જમીન બચાવવા માટે ખૂબ સંઘર્ષ કરી રહ્યો છે. તેમ છતાં હજુ સુધી ખેડૂતોની એક પણ એક સમસ્યાનો ઉકેલ આવવાની જગ્યા પર ખેડૂતો સમસ્યાના દાવાનળ માં ફસાયેલા જોવા મળે છે. તેની પાછળ એકમાત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ કામ કરી રહી છે.