આગામી ઉતરાયણના પર્વને લઇને પતંગ રસિકો પેચ લગાવવામાં મસગુલ બનતા હોય છે. ત્યારે પતંગ રસિકોની જાણ બહાર કેટલાક પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થતા હોય છે. તેમજ કેટલાક પક્ષીઓ તો પતંગની દોરીથી મોતને પણ ભેટ્યા હોવાના અનેક બનાવો બનતા હોય છે.
ત્યારે આવા બનાવો અટકે અને પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વનવિભાગ દ્વારા આગવી વ્યવસ્થાઓ આજથી શરૂ કરવામાં આવી છે. જે આગામી 20મી તારીખ સુધી કાર્યરત રહીને ઈજાગ્રસ્ત બનેલા પક્ષીઓને સારવાર આપીને ફરીથી નવજીવન બક્ષવાનો પ્રયાસ કરશે.
જૂનાગઢ વનવિભાગ અને કેટલીક સામાજિક સંસ્થાઓ કે જે વન્ય પ્રાણી અને ખાસ કરીને પક્ષીઓ માટે કામ કરતી હોય છે. તેવી સંસ્થાના સહયોગથી વર્ષ 2020નું કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે વાત જૂનાગઢ જિલ્લાની કરીએ તો, જૂનાગઢ જિલ્લામાં 22 જેટલા કંટ્રોલ રૂમો શરૂ કરવામાં આવ્યા છે. તેમજ 8 જેટલી ડિસ્પેન્સરીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
જેમાં પશુ તબીબો દવાઓ અને કેટલાક કિસ્સામાં જરૂરી જણાય તેમાં સર્જરી કરવાના સાધનો આજથી તૈનાત કરી દેવામાં આવી છે. વનવિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત બનેલા પક્ષીઓને સારવાર આપીને ફરીથી ગગનમાં ઉડી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.