જૂનાગઢઃ ઉપરકોટના કિલ્લાને રિનોવેશન બાદ પ્રવાસીઓ માટે ખૂલ્લો મુકવામાં આવ્યો છે. મોટી સંખ્યમાં મુલાકાતીઓ ઉપરકોટ કિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ કિલ્લાની મુલાકાત લેતા પ્રવાસીઓમાં એક સ્થાપત્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને તે એટલે દળવા માટેની 25 ફિટની ગોળાઈ ધરાવતી વિશાળકાય મિલ.
25 ફિટ ગોળાઈ ધરાવતી મિલઃ વર્ષો પૂર્વે સિમેન્ટનું ચલણ નહતું ત્યારે ઉપરકોટના કિલ્લાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ કિલ્લાના નિર્માણમાં ચૂનાનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂનાના પથ્થરોને દળવા માટે એક વિશાળકાય મિલ બનાવવામાં આવી હતી. આ મિલની વિશાળતાનો અંદાજ તેની ગોળાઈ પરથી આવી શકે છે. આ મિલની ગોળાઈ 25 ફિટ જેટલી છે. આ મિલ દ્વારા ચૂનાના પથ્થરો દળીને ચૂનાનો પાવડર કિલ્લાની દિવાલના નિર્માણમાં વાપરવામાં આવતો હશે તેવો મત ઈતિહાસકારો રજૂ કરી રહ્યા છે.
જ્યારે ઉપરકોટ કિલ્લાના નિર્માણ અને સમારકામ વખતે આ મિલમાં ચૂનાના પથ્થરોને દળવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હશે. કિલ્લાના નિર્માણ બાદ આ મિલમાં અનાજ, અડદ, ગોળ વગેરે દળવામાં આવતા હોવાની પણ શક્યતાઓ છે...ડો. પ્રદ્યુમન ખાચર(ઈતિહાસકાર,જૂનાગઢ)
મિલનું ઐતિહાસિક મહત્વઃ ઉપરકોટના કિલ્લામાં 25 ફિટની ગોળાઈ ધરાવતી મિલ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કિલ્લાનું નિર્માણ થતું હતું ત્યારે આ વિશાળકાય મિલમાં ચૂનાના પથ્થરો દળવામાં આવતા હતા. દળેલા ચૂનાનો ઉપયોગ કિલ્લાની દિવાલ તેમજ અન્ય બાંધકામમાં કરવામાં આવતો હતો. કિલ્લાનું નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ પણ આ મિલને ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ કિલ્લામાં રહેતા સૈનિકો, નાગરિકો અને મજૂરો માટે આ મિલ દ્વારા અનાજ દળવામાં આવતું હોવોનો મત ઈતિહાસકારો રજૂ કરે છે. આ મિલમાં દળાયેલ અનાજમાંથી કિલ્લામાં રહેતા લોકો માટે ખોરાક તૈયાર કરવામાં આવતો હતો.