જૂનાગઢ : સોરઠમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદી વાતાવરણ જોવા મળે છે. તેની વચ્ચે પ્રકૃતિ પણ હવે જાણે કે સોળે કળાએ ખીલેલી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. 24 કલાકથી જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર સતત વરસાદ પડી રહ્યો છે, અત્યાર સુધીમાં અંદાજે 7થી 9 ઇંચ જેટલો વરસાદ ગિરનાર પર્વત પર નોંધાયો છે. જેને કારણે ગિરનાર પરથી આવતી સોનરખ નદીમાં પૂર આપ્યું છે. જે ભવનાથ તળેટીમાં આવી રહ્યું છે. વરસાદી પાણી અને પ્રકૃતિને માણવા માટે જૂનાગઢ વાસીઓ આજે તળેટીમાં જોવા મળ્યા હતા. કુદરતે વરસાવેલી મેઘમહેરને માણીને ચોમાસાના વરસાદને જાણે કે આવકારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
આ પ્રકારે ઘણા વર્ષો પછી ગિરનારમાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ગિરનારની પ્રાકૃતિક સુંદરતા અને વરસાદને કારણે વહેતા થયેલા નદી નાળા સરોવરોમાં સ્નાન કરવાનો પણ એક અનોખો અંદાજ હોય છે. જેને આજે માણવાની તક મળી જે ખરેખર ખૂબ જ સુંદર સ્મરણો આપી જાય છે. - રાકેશભાઈ (સ્થાનિક)
સચરાચર વરસાદમાં નુકસાન નહીં : આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદને કારણે જમીન ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમ છતાં નુકસાનીના કે જાનહાનિ કોઈ માઠા સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી જે ખૂબ જ સારો અનુભવ કરાવે છે. છેલ્લા વર્ષોની સરખામણીએ આ વર્ષે અતિભારે વરસાદ પડ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ ખાસ નુકસાનીના સમાચારો પ્રાપ્ત થયા નથી. જે કુદરતની મહેરની સાથે તેની કૃપાદ્રષ્ટિના કારણે શક્ય બન્યું છે.