જૂનાગઢ : જૂનાગઢ-રાજકોટ જિલ્લામાંથી પસાર થતી ભાદર અને ઓજત નદીના પૂરના પાણીના કારણે ઘેડ વિસ્તારના 15થી વધુ ગામો વગર વરસાદે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળે છે. છેલ્લા ત્રણ દસકાથી જૂની પોરબંદર-જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારની આ સમસ્યા આજે પણ ઉકેલ માંગી રહે છે. તેમ છતાં દર વર્ષે સરકારી આશ્વાસનની વચ્ચે ઘેડ વિસ્તારના ગામોમાં રહેતા લોકો વગર વરસાદે પૂરના પાણીનો ખુમારીથી સામનો કરી રહ્યા છે.
પૂરને કારણે ગામોના સંપર્ક થાય છે અલગ : ઘેડ વિસ્તારના બાલાગામ, બામણાસા, પાદરડી, ફુલરામા, ઓસા, મેખડી, ઇસરા, મટીયાણા, પાડોદર, પંચાળા, ટીમ્બી અને ઘેડ બગસરાની સાથે 15 જેટલા ગામો ઓજત અને ભાદર નદીમાં આવેલા પૂરને કારણે જળબંબાકાર બને છે. જેને કારણે આ ગામોનો સંપર્ક સંપૂર્ણ પણે તૂટી જાય છે. દોઢથી બે ફૂટ ભરેલા પાણીની વચ્ચે લોકો પોતાની દૈનિક જરૂરિયાત પૂરી કરવા માટે જેસીબી જેવા મોટા વાહનનો ઉપયોગ કરે છે. તેમ છતાં તંત્રની આળસ કહો કે ઘેડ વિસ્તારના નસીબ બદલવાનું નામ લઈ રહ્યા નથી.
ઘેડ વિસ્તારમાં દર ચોમાસે આવતું પૂર અમારી લખાયેલી સમસ્યા છે. અમે સહજતાથી સ્વીકાર કરી રહ્યા છે. પૂરના પાણીને કારણે અમને ખૂબ નુકસાન થાય છે. કૃષિ પાકોની સાથે આકસ્મિક પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવો અમારા માટે ખૂબ મુશ્કેલ કામ છે. આ દિવસો દરમિયાન દરેક ગામમાં એક JCB મશીન રાખીને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના એકમાત્ર રસ્તા તરીકે અમે ઉપયોગ કરી રહ્યા છે. અમારી ત્રણ દશકા જુની આ સમસ્યાનો હજુ સુધી કોઈ અંતિમ નિરાકરણ આવતું જોવા મળતું નથી. જેનું ભારોભાર દુઃખ છે. - ભરતભાઈ (સ્થાનિક)
ઘરવખરીને પણ થાય છે નુકસાન : વગર વરસાદે ઘેડના ગામોમાં આવતું પૂરનું પાણી ઘર વખરીની સાથે વર્ષભરના અનાજને નુકસાન કરે છે. બાલાગામના હરેશ જોરાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં આ બીજી વખત પૂરનું પાણી તેમના ગામમાં આવ્યું છે. આ વખતે પણ ઘરના સામાનની સાથે બાર મહિનાનું અનાજ અને આજે ગામમાં બે કાચા મકાનો પૂરના પાણીને કારણે ધરાશાયી થયા છે. વર્ષો જૂની સમસ્યા છે, અમે તેનો હલ તંત્ર શોધે તેવા આશાવાદમાં દર વર્ષે પૂરના પાણીનો સામનો કરી રહ્યા છે.