જૂનાગઢ: જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના યુવાનો સુધી પહોંચે તે પૂર્વે જ મેફ્રેડોન નામના ડ્રગ્સ સાથે ત્રણેય યુવાનોની પોલીસે ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરની સાબલપુર ચોકડી પરથી બે યુવાનો શંકાસ્પદ ડ્રગ્સ લઈને પસાર થવાના છે તેવી બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી અને કારમાં સવાર બે યુવાનોની સાથે ડ્રગ્સ લેવા માટે આવેલ અન્ય એક યુવાનને 17.10 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડીને એનડીપીએસ એક્ટ નીચે કાર્યવાહી શરૂ કરી છે.
17.10 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું: ગઈકાલે જુનાગઢ પોલીસે ત્રણ યુવાનોને ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. આરોપી યુવાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. એક આરોપીએ મુંબઈથી બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ તે લિફ્ટ સર્વિસ અને ઈલેક્ટ્રીકની દુકાન ધરાવે છે. વિરાજ વાઘેલા નામનો યુવાન સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છે તો અન્ય ત્રીજો આરોપી જૂનાગઢ શહેરમાં અંગ્રેજી વિષય સાથે બીએ કરી રહ્યો છે. પકડાયેલી ડ્રગ્સની કિંમત 1,71,000 થવા જાય છે આ સાથે ત્રણેય યુવાનો પાસેથી 17.10 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ 8 લાખ 6 હજારનો મુદ્દામાલ પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જપ્ત કર્યો છે.
ત્રણેય યુવાનો ખોટી સંગતમાં આવીને અભ્યાસ કરતા ડ્રગ્સને રવાડે ચડ્યા છે. હાલ આ ત્રણેય યુવાનો ડ્રગ્સના બંધાણી થઈ ગયેલા છે. જેથી તે કોઈપણ ભોગે બંધાણ પુરુ કરવાના ઈરાદા સાથે ડ્રગ્સ પ્રાપ્ત કરતા પકડાયા છે. જેની પોલીસે અટકાયત કરીને સમગ્ર મામલામાં ડ્રગ્સના રેકેટ સુધી પહોંચવા માટે ખૂબ જ ગુપ્ત રાહે તપાસ શરૂ કરી છે. બની શકે આગામી દિવસોમાં સમગ્ર ડ્રગ્સ મામલે કોઈ નવો ખુલાસો થાય તેવી પૂરી શક્યતા છે. - હર્ષદ મહેતા, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક
જૂનાગઢ શહેરમાંથી ગત 24 ઓગસ્ટના દિવસે બે યુવાનો પાસેથી 189 બોટલ કોડેઇન ફોસ્ફેટ સીરપ મળી આવી હતી. 10 જાન્યુઆરી 2023ના દિવસે 3416 જેટલી નશીલી સીરપ પાનની દુકાનમાંથી ઝડપાઈ હતી. 17 જાન્યુઆરી 2023ના રોજ જૂનાગઢ શહેરમાંથી એક ઈશમ પાસેથી ચાર અલગ અલગ જાતના નશાકારક પદાર્થો પણ મળી આવ્યા હતા. જેની પોલીસે અટકાયત કરી છે. 6 સપ્ટેમ્બરના દિવસે જુનાગઢ શહેરમાંથી ત્રણ ઈશમોને એમડી ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. 6 સપ્ટેમ્બર પૂર્વે પણ જૂનાગઢ શહેરના દોલત પરા વિસ્તારમાંથી પણ બે યુવાનોને અલગ અલગ દિવસે અને સમયે એમડી ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.