- જૂનાગઢમાંથી પકડાયેલી લૂંટેરી દુલ્હનના કેસમાં પોલીસને મળી વધુ મોટી સફળતા
- ગુજરાતમાં બોગસ દસ્તાવેજ અને નામ ધારણ કરીને રહેતી હોવાની વિગતો સામે આવી
- પોલીસે રિમાન્ડ દરમિયાન યુવતી પાસેથી માહિતી એકત્ર કરી
જૂનાગઢ: થોડા દિવસ અગાઉ જૂનાગઢના આંબલીયા ગામના એક યુવક સાથે એક યુવતીએ લગ્ન કરીને બે લાખ કરતાં વધુનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગઈ હતી. જેને ધ્યાને લઈને પોલીસે લૂંટેરી દુલ્હન સહિત તેમના નકલી માતા-પિતા અને અન્ય એક મદદગાર વ્યક્તિની અમદાવાદ ભાવનગર અને રાજકોટ એમ અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરી હતી. આરોપીઓની પોલીસ રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ કરતા યુવતી ગુજરાતમાં ખોટા દસ્તાવેજ અને નામ ઊભું કરીને રહેતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ત્યારે, તમામ પાંચ આરોપીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે શુક્રવારે કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો: ગોંડલના યુવાનો બન્યા લુટેરી દુલ્હનનો શિકાર, મહિલાએ 3 વર્ષના બાળકને પણ વેંચી માર્યો
યુવતી મૂળ આંધ્રપ્રદેશની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
જૂનાગઢ પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હનની રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી અને શંકાસ્પદ વિગતો પણ બહાર આવી છે. આ યુવતી મૂળ આંધ્રપ્રદેશની રહેવાસી અને ગુજરાતમાં ખોટું નામ અને દસ્તાવેજ બનાવીને રહેતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રિમાન્ડ દરમિયાન યુવતી પાસેથી તેમના પરિવારની વિગતો મેળવવામાં સફળતા મેળવી છે. યુવતી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના 18 જેટલા લગ્નવાંછુક યુવાનો સાથે ઘડિયા લગ્ન કરી અને દરદાગીના લઇને ફરાર થઇ જતી હોવાની પણ વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. ગુજરાતના રાજકોટ, ભાવનગર, મહેસાણા, સુરત, જામનગર, દ્વારકા, જૂનાગઢ સહિત કુલ 18 જેટલા યુવાનોને આ લૂંટેરી દુલ્હને પોતાની જાળમાં ફસાવીને રૂપિયા અને દરદાગીના પડાવી પલાયન થઇ જતી હતી. જેનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો: રાજસ્થાનના બાંસવાડામાં લુંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, ગુજરાતમાં પણ લોકોને છેતર્યા