જૂનાગઢ : જિલ્લાના વિસાવદર શહેર માંથી ગઈકાલે વહેલી સવારે 11 વર્ષની એક કિશોરીનું કારમાં અપહરણ થયું હોવાની વિગતો વિસાવદર પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેને લઇને પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આજે પોલીસને સફળતા મળી છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારના એક એપાર્ટમેન્ટ માંથી અપહરણ કરાયેલી કિશોરી અને અપહરણ કરનાર બંને આરોપી જય સુખાનંદી અને રિયાઝ નાગોરીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. કિશોરીના અપહરણનો કિસ્સો ગઈકાલે વહેલી સવારે શાળાના સમયે બન્યો હતો. સીસીટીવી બાદ પોલીસને આજે કિશોરીને અપહરણકારોની ચુંગાલ માંથી મુક્ત કરાવવામાં સફળતા મળી છે.
કિશોરીના અપહરણ જેવો સંવેદનશીલ કિસ્સો સામે આવતા જ પોલીસે સમગ્ર મામલામાં તપાસ કરીને 24 કલાક કરતા ઓછા સમયમાં કિશોરીને અપહરણકારોની ચુગલ માંથી મુક્ત કરાવી હતી. હાલ પોલીસ કિશોરીની માતાને સાથે રાખીને અપહરણ કરાયેલી કિશોરીની પુછપરછ કરી રહી છે. સમગ્ર મામલામાં દુષ્કર્મ કે દુરાચારની કોઈ ઘટના બની હોય તેવું અપરણ કરાયેલી કિશોરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું નથી. તેમ છતાં પોલીસ તપાસ કરી રહી છે અને સમગ્ર મામલામાં કોઈ અન્ય ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. - જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા
પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવી : કિશોરીનું અપહરણ કરનાર જય સુખાનંદી અને રિયાઝ નાગોરી દ્વારા જે કારમાં કિશોરીનું અપહરણ કરાયું હતું. તે કારને ધોળકા નજીક મૂકી દેવામાં આવી હતી. સમગ્ર મામલામાં પોલીસ ગેરમાર્ગે દોરાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કિશોરીના અપહરણનો સંવેદનશીલ કિસ્સો સામે આવતા પોલીસે સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરી હતી અને જે કારમાં અપહરણ થયું હતું તે કાર ધોળકા નજીકથી મળી આવી હતી. પરંતુ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રચેલું આ નાટક પોલીસે બંને આરોપીને જૂનાગઢ માંથી પકડી પાડીને ખુલ્લું પાડ્યું હતું.