જૂનાગઢ : ખેડૂત માટે જમીન સાથેની સંવેદના કંઇ જુદી હોય છે. ખેડૂતની જમીન પચાવી પાડવાનો કારસો થયો હોય ત્યારે ખેડૂતની મનોવ્યથાનો પાર ન રહે. એવી મનોવ્યથા અનુભવે છે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના વાવડી ગામના અરશીભાઈ રામ. તેઓ પોતાની જમીન બચાવવા માટે વીસ વર્ષથી કાયદાકીય લડત લડી રહ્યાં છે. અરશીભાઈ પાછલાં ચાર વર્ષથી આવી રીતે સાયકલ લઈને પોતાની રજૂઆત કરવા માટે ગાંધીનગરના ધક્કા ખાઇ રહ્યાં છે.
મનોવ્યથા ઠાલવી અરશીભાઇ રામ ઉદ્યોગગૃહને બારોબાર વેચી દેવાયેલી તેમની જમીન પાછી મેળવવા મથી રહ્યાં છે. જે પ્રયાસમાં સાયકલ ચલાવીને ગાંધીનગર સચિવાલય જવા નીકળ્યાં છે. ચોથીવારના તેમના આ પ્રયાસમાં અંતિમ નિર્ણય નહીં આવે તો તેઓ ત્યાં ધરણા પર બેસશે. ખેતીલાયક જમીન બચાવવા સાયકલ પર સચિવાલય જઇ રહેલા અરશીભાઇ રામ જૂનાગઢ પહોંચ્યાં હતાં. ત્યારે વૃદ્ધ ખેડૂત અરશીભાઈ રામે ઈટીવી ભારત સાથે ખેતીલાયક જમીન બચાવવાની તેમની મનોવ્યથા વ્યક્ત કરી હતી.
ખાનગી ઉદ્યોગ ગૃહનો જમીન પર દાવો : કોડીનારના એક ખાનગી ઉદ્યોગ ગૃહે એક વ્યક્તિ પાસેથી જે જમીન વેચાતી લીધી છે તે મૂળ માલિક તરીકે અરશીભાઈ રામ અને તેના ભાઈઓના કબજાવાળી હતી. પરંતુ જમીનના દસ્તાવેજમાં ગોલમાલ કરીને ઉદ્યોગ ગૃહને આ જ વિસ્તારના એક વ્યક્તિ દ્વારા જમીન વેચી નાખીને તેની રોકડી કરી લીધી છે. હવે આ જમીન પર ખાનગી ઉદ્યોગ ગૃહ પોતાનો કબજો મેળવવા માટે દાવો કરી રહ્યું છે. પરંતુ મૂળ માલિક એવા અરશીભાઈ રામ અને તેના ભાઈઓએ આ જમીન ઉદ્યોગ ગૃહને વેચી નથી તે મુદ્દાને લઈને મહેસૂલ વિભાગ સમક્ષ રજૂઆતો કરી રહ્યાં છે પરંતુ કોઈ નિરાકરણ થયું નથી.
બે વર્ષ પહેલાં જમીન બારોબાર વેચાઇ વર્ષ બે વર્ષ પૂર્વે ફરિયાદી અરશીભાઈ રામે ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યાં અનુસાર 8 વીઘા જેટલી જમીન કાળા હમીર સોલંકીએ તેમની જમીનના ખોટા દસ્તાવેજ અને સહી કરીને ખાનગી સિમેન્ટ કંપનીને વેચી નાખી છે તેમ ફરિયાદ કરી છે. વાવડી ગામના વૃદ્ધ ખેડૂત અરશીભાઈ રામની જમીન વારસાગત ધોરણે મેળવેલી છે જેથી મજિયારી જમીન છે.
પ્રધાનથી માંડી સચિવ સુધી રજૂઆત અરશીભાઇ રામ સાયકલ પર ગાંધીનગર સચિવાલયમાં જઇને કોને કોને રજૂઆત કરી છે કે તેઓએ સાંભળી નથી તે વિશે પૃચ્છા કરી તો તેમણે જણાવ્યું કે પાછલા ચાર વર્ષ દરમિયાન તેઓ સચિવાલયમાં જઇને જે તે સમયના રાજ્યના મહેસૂલ પ્રધાન અને વિભાગના સચિવને રૂબરૂ મળ્યાં હતાં અને તેમની જમીનને લગતી રજૂઆતો કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી સમગ્ર મામલામાં કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે વધુ એકવાર સૂત્રાપાડા તાલુકાના વાવડી ગામેથી સાયકલ લઈને ગાંધીનગર સાડા ચારસો કિલોમીટર દૂર રજૂઆત કરવા માટે નીકળ્યા છે.
ધરણા કરશે : અરશીભાઇની કરમ કઠણાઇ છે કે મહેસૂલ પ્રધાન સુધી તેમની જમીનનો પ્રશ્ન પહોંચવા છતાં હજુ પણ એના એ જ ધક્કા ખાવા પડી રહ્યાં છે. સાયકલ પર સચિવાલય જવા નીકળેલા અરશીભાઈ રામ ચોથી વખત રવાના થયા છે. આ તેમનો અંતિમ પ્રયાસ હશે. જેના કારણે ગાંધીનગર સચિવાલયમાં મહેસૂલ પ્રધાનની સાથે સચિવની ઓફિસ બહાર તેમના મામલાનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણાં પર બેસવાનું મન બનાવી લીધું છે.