જુનાગઢ : જુનાગઢ કોંગ્રેસના કાર્યકર્તાઓને આગામી ચૂંટણીને લઇને માર્ગદર્શન આપવા આવી પહોંચેલા શક્તિસિંહ ગોહિલે રામ મંદિર અને ભાજપની નીતિરીતિ સામે વાગ્બાણ છોડ્યાં હતાં. તેમણે કહ્યું કે ભાજપ મત માટે રામ નામને શેરીઓમાં રઝળાવી રહ્યું છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર ભગવાન શ્રી રામના દર્શન માટે તમામ કોંગ્રેસી કાર્યકરો અયોધ્યા જશે. પરંતુ ભાજપ દ્વારા આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં કે જેને શંકરાચાર્યજી પણ અપૂર્ણ માને છે તેવા કાર્યક્રમથી કોંગ્રેસે અંતર રાખ્યું છે.
શક્તિસિંહના ભાજપ પર પ્રહારો : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે જુનાગઢ લોકસભા બેઠકના કાર્યકર્તાઓને મળવા માટે પહોંચ્યા હતા. જુનાગઢ આવતા જ તેમણે રામ મંદિરને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ રામ મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં નથી જઈ રહી તેવા માધ્યમોના સવાલોનો જવાબ આપતા જણાવ્યું હતું કે ભાજપ મત માટે રામ નામને શેરીઓમાં રઝળાવી રહ્યું છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર ભગવાન શ્રીરામ સૌના છે. કોંગ્રેસનો પ્રત્યેક કાર્યકર અયોધ્યા જઈને સ્વયં ભગવાન શ્રીરામના દર્શન કરશે. પરંતુ ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમ કે જેને સનાતન ધર્મના શંકરાચાર્યો પણ સમર્થન આપતા નથી તેવા કાર્યક્રમથી કોંગ્રેસે દુરી બનાવી રાખી છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર અને શંકરાચાર્યજી દ્વારા સૂચવેલા મંદિર પરિસર સંપૂર્ણ તૈયાર થયા બાદ કોંગ્રેસના પ્રમુખ સહિત તમામ લોકો ભગવાન રામના દર્શન માટે અચૂક જશે.
ધારાસભ્યના રાજીનામાં પર નિવેદન : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જે રીતે ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે તેના પર પણ નિવેદન આપ્યું છે કે ચૂંટાયેલો જન પ્રતિનિધિ રાજીનામું નથી આપતો, પરંતુ ભાજપ રાજીનામું અપાવડાવે છે. તેની પાછળ ચૂંટાયેલા પ્રતિનિધિઓની લાલચ કે ડર હોઈ શકે છે. જે ધારાસભ્ય કે ચૂંટાયેલા પ્રતિનિધિ લાલચમાં આવી જાય ને રાજીનામું આપે છે. તો કેટલાક પ્રતિનિધિઓ ડરમાં આવીને રાજીનામું આપે છે. ભાજપ આકાઓથી ચાલતી પાર્ટી છે. ભૂતકાળમાં હરેન પંડ્યાનું શું થયું તેવા સવાલો પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપની સામે રાખ્યા છે.
મંદિરનું લોકાર્પણ રામ નવમીનો શ્રેષ્ઠ દિવસ રામ મંદિરના લોકાર્પણના સમયને લઈને પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કર્યા હતા. સમગ્ર ભારત વર્ષના આરાધ્યદેવ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના નૂતન મંદિરના લોકાર્પણ પ્રસંગ રામનવમી સિવાય અન્ય દિવસે કઈ રીતે યોગ્ય માનવામાં આવે છે તેને લઈને પણ તેઓએ ભાજપ પર સવાલો કર્યા હતા. ભાજપ રામના નામે મત મેળવવા માટે નીકળી છે. જેથી મંદિર અપૂર્ણ હોવા છતાં પણ તેઓ લોકાર્પણ કરવા માટે ખૂબ જ અધીરા બન્યા છે.