જુનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકાના સાગરસોલા ગામોમાં પાછલા ત્રણ દિવસથી ધોરણ એકથી આઠનું પ્રાથમિક શિક્ષણ કાર્ય બંધ જોવા મળે છે. નવા શૈક્ષણિક સત્રથી ગામમાં ધોરણ છ સાત અને આઠ ના વિદ્યાર્થીઓના વર્ગને નજીકની નોજણવાવ ગામની પ્રાથમિક શાળામાં રાજ્યના શિક્ષણ વિભાગે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. જેના વિરુદ્ધમાં ગામ લોકોએ પાછલા ત્રણ દિવસથી ધોરણ એકથી આઠનું શિક્ષણ કાર્ય ઠપ કરી દીધું છે. વધુમાં આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવાની ગામ લોકોએ ચિમકી આપી છે.
મર્જ કરાયેલી શાળા ગામથી દૂર : સાગરસોલા પ્રાથમિક શાળાના ધોરણ છથી આઠના 12 વિદ્યાર્થીઓને નજીકની નોજણવાવ પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવ્યા છે. શાળાએ જવાના માર્ગ પર પાછલા કેટલાય વર્ષોથી દીપડા જેવા હિંસક પ્રાણીઓનું સમ્રાજ્ય જોવા મળે છે. ચોમાસા દરમિયાન અહીંથી પસાર થતી સ્થાનિક નદીના બે કોઝવે પણ આવેલા છે આવી પરિસ્થિતિમાં માસુમ ભૂલકાઓને નદીના પૂરમાં ફસાવવા કે હિંસક પ્રાણીઓનો શિકાર બનાવવા તેની દ્વિધામાં ગામના લોકો અને વિદ્યાર્થીઓના વાલીઓએ સંપૂર્ણ શિક્ષણનો બહિષ્કાર કરીને ફરીથી સાગરસોલા ગામમાં ધોરણ છ થી આઠ ના વર્ગો શરૂ થાય તે માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
શાળાના પ્રિન્સિપાલે આપી વિગતો : સાંગરસોલા ગામના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દીપકનાથ નાથજીએ માધ્યમને વિગતો આપતા જણાવ્યું છે કે, ધોરણ 6થી 8 માં 12 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેને કારણે ત્રણેય વર્ગ મર્જ કરીને બાજુની નોજણવાવ ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત કર્યા છે. તો ધોરણ એકથી પાંચમાં 27 જેટલા વિદ્યાર્થીઓ આજે અભ્યાસ કરે છે તેની પાછળ તેઓ એકમાત્ર શિક્ષક છે ત્યારે ગામ લોકોને ધોરણ છથી આઠના વર્ગો બંધ થતા આંદોલન પર ઉતાર્યા છે.
વાલી અને વિદ્યાર્થીઓએ આપી વિગતો : ગામના અગ્રણી રાજુભાઈ સોનારા એ વિગતો આપતા જણાવ્યું છે કે, ગત ક્ષત્ર સુધી ગામમાં ધોરણ છથી આઠના વર્ગો ચાલુ હતા. નવા સત્રથી શા માટે વર્ગ બંધ કરાયા છે. તેનો શિક્ષણ વિભાગ ખુલાસો કરે. વધુમાં શાળાના ત્રણ ધોરણના વર્ગો બંધ કરવાને લઈને સાંસદ ધારાસભ્ય કલેકટર અને શિક્ષણ અધિકારીને પણ રજૂઆતો કરી છે. પરંતુ સરકારનો આ નિર્ણય પરત નહીં થતા તેઓએ અંતે અહિંસક આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જ્યાં સુધી સરકાર ગામમાં ફરીથી ધોરણ છ સાત અને આઠનું શિક્ષણ કાર્ય શરૂ નહીં કરે ત્યાં સુધી સંપૂર્ણ શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવશે.
નિવેદન : ગત સત્ર સુધી ધોરણ પાંચમાં અભ્યાસ કરતા શાળાના શિક્ષક યશે જણાવ્યું હતું કે ગામમાં છ સાત અને આઠના વર્ગો બંધ થતા બાજુની નોજણવાવ ગામમાં શિક્ષણ મેળવવા માટે જવું પડશે. નોજણવેલ ગામનો માર્ગ દીપડા જેવા હિંસક પ્રાણીઓના રહેઠાણ તરીકે કુખ્યાત બનેલો છે. અહીં અવારનવાર દીપડાઓ પાંજરે પુરાય છે. વધુમાં આ વિસ્તારમાં આવેલી સ્થાનિક નદીના બે કોઝવે પણ શાળાએ જવાના માર્ગ પર આવે છે. ત્યારે એક તરફ હિંશક પ્રાણીનો સતત ખતરો અને ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિને કારણે અમારે શાળાએ જવું પડશે તેના ભયના કારણે પણ અમે શાળાનું શિક્ષણ બંધ કર્યું છે અને ગામમાં જ છ સાત અને આઠનું શિક્ષણ મળે તેવી માંગ કરી રહ્યા છે.