જૂનાગઢ : વાતાવરણમાં આવેલા ખૂબ મોટા બદલાવને કારણે ગીરની શાન કેસર કેરીનું હવે ધૂંધળું ચિત્ર જોવા મળે છે. આ સમય દરમિયાન મોટાભાગના આંબાવાડીયાઓમાં આંબાઓ મોરથી ઝૂલતા જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ હજુ માત્ર ચાર ટકા જ આંબાવાડીઓમાં ફુલ જોવા મળે છે. જેને કારણે આગામી કેરીની સીઝન સ્વાદ રસિકો માટે ખાટી નિવળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આંબાવાડીયામાં વાતાવરણની પ્રતિકૂળતા: વાતાવરણની પ્રતિકૂળતા પ્રત્યેક જગ્યાએ જોવા મળતી હોય છે ખાસ કરીને ફળ પાક ઉપર વાતાવરણની પ્રતિકૂળતા વિશેષ પ્રમાણે અસર દર્શાવતી હોય છે. ગીર કેસર કેરીના આંબાવાડીયાઓ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. પરંતુ આ વર્ષે આંબાવાડિયાઓમાં હજુ સુધી માત્ર 4 ટકાની આસપાસ મોર આવેલો જોવા મળે છે જે વાતાવરણની ખૂબ ગંભીર પ્રતિકૂળતાને દર્શાવે છે.
સિઝન નબળી રહેવાની શક્યતાઓ : સામાન્ય રીતે એક નવેમ્બરથી લઈને 15 ડિસેમ્બર સુધી મોટાભાગના આંબાવાડીયાઓમાં આવેલા આંબાઓ મોરથી ઝૂલતા જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે સતત વાતાવરણની પ્રતિકૂળતાને કારણે હજુ સુધી 75 ટકા કરતાં વધુ આંબાવાડીયાઓ મોર ફૂટવાની કુદરતી પ્રક્રિયાથી ખૂબ દૂર જોવા મળે છે. જેને કારણે આગામી કેરીની સિઝન નબળી રહેવાની શક્યતાઓ ઉદભવી રહી છે.
વાતાવરણની પ્રતિકૂળતા : ફળ પાકોમાં આંબાને ખૂબ જ સંવેદનશીલ પાક તરીકે પણ જોવામાં આવે છે. જેને કારણે વાતાવરણની પ્રતિકૂળતાની સૌથી મોટી અસર આંબાઓ પર જોવા મળે છે. આંબાઓમાં મોર ફૂટવાની સાથે ફળ લાગવાની પ્રક્રિયામાં દિવસ અને રાત્રીનું તાપમાન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. સામાન્ય રીતે રાત્રિનું તાપમાન 14 થી 15 ડિગ્રી અને દિવસનું તાપમાન 20 થી 25 ડિગ્રીનું હોય તેવા સમયને આંબા માટે ખૂબ જ આદર્શ અને ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયે રાત્રિનું તાપમાન 18 થી 19 ડિગ્રીની આસપાસ જોવા મળે છે. તો વધુમાં દિવસનું તાપમાન 32 થી લઈને 35 ડિગ્રી સુધી જોવા મળે છે. જે આંબામાં મોર ફૂટવાની કુદરતી પ્રક્રિયાને અવરોધી રહ્યું છે જેને કારણે આજે પણ ગીરના 75 ટકા કરતાં વધુ આંબાવાડીયાઓ મોર ફૂટ્યા વિનાના જોવા મળે છે.
આ વર્ષે કેરીનો સ્વાદ બની શકે ખાટો : આ વર્ષે કેરીનો સ્વાદ ખાટો લાગી શકે છે. જેની પાછળ વાતાવરણનો બદલાવ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થવાની સ્થિતિમાં છે ત્યારે હજુ સુધી શિયાળાનો અહેસાસ થાય તે પ્રકારની ઠંડીનું વાતાવરણ જોવા મળતું નથી. જેને કારણે કેરીનો પાક ખૂબ ઓછો ઉતરે તેવી પણ શક્યતાઓ છે. કુદરતી પ્રક્રિયા અનુસાર દર વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા સમાન્યંતરે બાધીત થતી હોય છે. ગત વર્ષે ચાર તબક્કામાં આંબામાં મોર ફૂટ્યો હતો. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં પણ કેટલાક આંબાઓમાં મોર ફૂટેલો જોવા મળતો હતો. ત્યારે આ વર્ષે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ નહીં થાય. જેને કારણે આંબામાં મોર ફૂટવાની સાથે કેરીના ઉત્પાદન પર પણ વિપરીત અસર થઈ શકે છે. જેને કારણે સ્વાદના રસિકો માટે આવનારી કેરીની સિઝન ખાટી નિવડી શકવાની પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે.